ભારત-પાકિસ્તાન ફૂટબોલ મેચમાં બબાલ, કોચ સાથે ખેલાડીઓની ઝપાઝપી થઈ
વિશ્વના બે કટ્ટર હરિફ ભારત અને પાકિસ્તાન જ્યારે કોઈપણ રમતમાં એકબીજા સામે રમતા હોય ત્યારે ટીમના પ્રદર્શની સાથે સાથે બીજુ ઘણુ બધુ પણ જોવા મળતુ હોય છે તેમજ માહોલ હંમૈશા ગરમ રહેતો હોય છે. આવુ જ કંઈક ગઈકાલે બેંગલુરુમાં જોવા મળ્યુ હતું જ્યા ફુટબોલના એક મેચમાં બંને ટીમો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને થોડીવાર માટે વાતાવરણ ખુબ જ ગરમાગરમીવાળુ બની ગયુ હતું.
બેંગલુરુમાં ગઈકાલે SAFF ચેમ્પિયનશિપની મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી જેમા ભારતે પાકિસ્તાનને 4-0થી હરાવ્યું હતું. જો કે મેચ તેના પહેલા હાફના અંતિમ ક્ષણોમાં હતી અને જ્યારે ભારત પાકિસ્તાનથી 2-0થી આગળ હતું ત્યારે મેચમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઉગ્ર બોલાચાલીનો વીડિયો પણ સામે આવ્યો હતો. આ વીડિયોમાં પાકિસ્તાનના ખેલાડીઓ ભારતીય કોચ સાથે બોલાચાલી કરતા દેખાઈ છે.
પાકિસ્તાની ડિફેન્ડર અબ્દુલ્લા ઈકબાલ થ્રો ઈન કરતા હતા ત્યારે જ ભારતના મુખ્ય કોચ તેની નજીક ગયા અને બોલને નીચે પાડી દઈને થ્રો કરતા અટકાવ્યો હતો. જે બાદ બંને ટીમો વચ્ચે ભારે હંગામો થયો હતો. પાકિસ્તાની ખેલાડીઓને ભારતના કોચ પર આક્રમક બનતા જોઈને ભારતીય ખેલાડીઓ ક્યાં ચૂપ બેસવાના હતા અને તરત જ કોચના બચાવ કરવા માટે ઢાલ બનીને પાકિસ્તાની ખેલાડીઓથી કોચને અલગ કર્યા હતા. આ દરમિયાન બંને ટીમોના ખેલાડીઓ વચ્ચે ઝપાઝપી અને ઘર્ષણ પણ જોવા મળી હતી. બંને ટીમોના ખેલાડીઓ એકબીજા સાથે ઉગ્રબોલાચાલી કરી હતી. થોડીવાર માટે વાતાવરણ તંગ બની ગયુ હતું. જો કે રેફરી આવી પહોંચતા મામલો શાંત પડ્યો હતો.
રમતના ગમે તે સ્તરે આવી ઉગ્ર બોલાચાલી કે હંગામાને સહન કરવું એ એક પ્રકારનું પ્રોત્સાહન આપવા જેવું છે અને તેમા પણ આ તો એક SAFF ચેમ્પિયનશિપની મેચ હતી જેમા માત્ર ભારત અને પાકિસ્તાન જ નહીં પણ અન્ય 8 દેશોની ટીમો રમી રહી છે એટલે સજા મળે તે સ્વાભાવિક છે. મેચમાં બોલાચાલી બાદ ભારતના હેડ કોચને રેડ કાર્ડ અને પાકિસ્તાનના કોચને યલો કાર્ડ બતાવવામાં આવ્યુ હતું.