ભારતીય ટીમ માટે સારા સમાચાર, એશિયા કપ માટે બુમરાહ-અય્યરને મળી શકે છે જગ્યા
ICC દ્વારા એશિયા કપ 2023ની તારીખ જાહેર કરવામાં આવી છે. એશિયા કપનું આયોજન 31 ઓગસ્ટથી કરવામાં આવશે. આ જાહેરાતની સાથે જ ભારતીય ક્રિકેટ ટીમ માટે એક સારા સમાચાર આવ્યા છે. ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને શ્રેયસ અય્યર ટૂંક સમયમાં મેદાનમાં પરત ફરી શકે છે. આ બંને ખેલાડીઓ ઈજાના કારણે ભારતીય ક્રિકેટ ટીમની બહાર ચાલી રહ્યા છે. એક અહેવાલ મુજબ અય્યર અને બુમરાહ એશિયા કપ માટે ભારતીય ટીમમાં જોડાઈ શકે છે. આ બંનેની તપાસ નેશનલ ક્રિકેટ એકેડમીમાં કરવામાં આવશે.
બુમરાહ અને અય્યરે હાલમાં જ ઈજા બાદ સર્જરી કરાવી છે. આ કારણે બંને ખેલાડીઓ WTCની ફાઈનલ માટે ભારતીય ટીમનો ભાગ ન બની શક્યા હતા. બુમરાહ IPL 2023માંથી પણ બહાર હતો. એક સમાચાર અનુસાર નેશનલ ક્રિકેટ એકેડમીનો મેડિકલ સ્ટાફ આ બંને ખેલાડીઓની તપાસ કરશે. બુમરાહે પીઠની સર્જરી કરાવી છે. આ માટે તે માર્ચમાં ન્યુઝીલેન્ડ ગયો હતો. બુમરાહ હાલમાં ફિઝિયોથેરાપી કરાવી રહ્યો છે.
શ્રેયસ અય્યર પણ પીઠના નીચેના ભાગમાં સમસ્યાને કારણે ટીમથી બહાર છે. અય્યરે લંડનમાં સર્જરી કરાવી હતી. શ્રેયસ પણ બુમરાહની જેમ ફિઝિયોથેરાપી કરાવી રહ્યો છે. તેણે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ માર્ચ 2023માં રમી હતી. અય્યરે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચ રમી હતી. ત્યારથી તે ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શક્યો નથી. શ્રેયસ પણ IPL 2023માં રમી શક્યો ન હતો. પરંતુ હવે તે ટૂંક સમયમાં મેદાનમાં પરત ફરે તેવી આશા છે.
ટીમ ઈન્ડિયાનો વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત પણ ઈજાના કારણે બહાર ચાલી રહ્યો છે. કાર અકસ્માત બાદ પંત ભારતીય ટીમની બહાર છે. હાલ તે પણ રિકવરી મોડ પર છે. ઋષભે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તેની રિકવરી અંગેનું અપડેટ શેર કર્યું હતું. પંત ઈજાના કારણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ સામેલ ન થયો હતો.