ટેનિસમાં ગોલ્ડ, સ્વિમિંગમાં સિલ્વર અને બેડમિંટનમાં બ્રોન્ઝ મેડલ નેશનલ ગેમ્સમાં ગુજરાતને વધુ ત્રણ મેડલ

Sports
Sports

ઘરઆંગણે ચાલી રહેલી નેશનલ ગેમ્સમાં ગુજરાતના ખેલાડીઓએ મેડલ જીતવાનો સિલસિલો જારી રાખ્યો હતો. ગુજરાતની ઝીલ દેસાઈએ ટેનિસની વિમેન્સ સિંગલ્સમાં ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. જે હાલમાં ચાલી રહેલી ગેમ્સમાં ગુજરાતનો સાતમો ગોલ્ડ મેડલ હતો. જ્યારે સ્વિમિંગમાં મેન્સ રિલે ટીમે ચાર બાય ૨૦૦ મીટર ફ્રિસ્ટાઈલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. બેડમિંટનમાં યુવા ખેલાડી આર્યમાન ટંડને મેન્સ સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ સાથે ૩૬મી નેશનલ ગેમ્સમાં ગુજરાતના કુલ મેડલ્સની સંખ્યા ૨૪ પર પહોંચી ગઈ છે, જેમાં સાત ગોલ્ડ, ૬ સિલ્વર અને ૧૧ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
ઝીલ દેસાઈની વિમેન્સ સિંગલ્સમાં ગોલ્ડન સફળતા
અમદાવાદમાં ચાલી રહેલી નેશનલ ગેમ્સ ટેનિસની વિમેન્સ સિંગલ્સ ઈવેન્ટમાં ગુજરાતની ઝીલ દેસાઈ અને કર્ણાટકની શર્મદા બાલુ વચ્ચે મુકાબલો હતો. ઝીલેે પ્રથમ સેટ ૬-૨થી જીતી લીધો હતો. જો શર્મદા બાલુને એન્કલની ઈજા થતાં તેને મેદાન છોડવું પડયું હતુ અને ઝીલને ગોલ્ડ મેડલ મળ્યો હતો. જ્યારે શર્મદાએ સિલ્વર મેળવ્યો હતો. નોંધપાત્ર છે કે, અગાઉ સેમિ ફાઈનલમાં મહારાષ્ટ્રની ઋતુજા ભોસલે સામે ઝીલે આક્રમક શરૃઆત કરતાં ૬-૦થી સરસાઈ મેળવી લીધી હતી. ઋતુજા અનફિટ થતાં ખસી ગઈ હતી અને ઝીલને આગેેકૂચ પ્રાપ્ત થઈ હતી.
સ્વિમિંગમાં મેડલ જીતવાનો સિલસિલો જારી
રાજકોટમાં ચાલી રહેલી નેશનલ ગેમ્સ સ્વિમિંગની ઈવેન્ટમાં ગુજરાતનો મેડલ જીતવાનો સિલસિલો આગળ વધ્યો હતો. ગુજરાતની મેન્સ રિલે ટીમે ચાર બાય ૨૦૦ મીટરની ફ્રિસ્ટાઈલ રિલેમાં સિલ્વર મેડલ જીત્યો હતો. કર્ણાટકની સંભવ આર., શિવાંક વિશ્વનાથ, શિવા એસ. અને અનીષ ગૌડાની ટીમે ૭ મિનિટ અને ૪૧.૧૦ સેકન્ડના સમય સાથે નવો નેશનલ ગેમ્સ રેકોર્ડ સર્જતાં ગોલ્ડ જીત્યો હતો. જ્યારે ગુજરાતને સાત મિનિટ અને ૪૮.૦૬ સેકન્ડના સમય સાથે સિલ્વર મળ્યો હતો. મહારાષ્ટ્રે સાત મિનિટ અને ૫૨.૬૨ સેકન્ડ સાથે બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો.
બેડમિંટનમાં ગુજરાતને બીજો મેડલ : આર્યમાનને બ્રોન્ઝ
બેડમિંટનની મિક્સ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ ગુજરાતને આર્યમાન ટંડને બીજો બ્રોન્ઝ મેડલ મેન્સ સિંગલ્સમાં અપાવ્યો છે. ગુજરાતના આર્યમાન ટંડન અને કર્ણાટકના મિથુન મંજુનાથ વચ્ચે સેમિ ફાઈનલ મુકાબલો ખેલાયો હતો. જેમાં મિથુને આર્યમાનને ૯-૨૧, ૧૧-૨૧થી પરાજીત કર્યો હતો. આ સાથે આર્યમાનને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. જ્યારે મેન્સ સિંગલ્સની ફાઇનલમાં મિથુનની ટક્કર તેલંગાણાના સાઈ પ્રણિત સામે થશે. જ્યારે વિમેન્સ સિંગલ્સમાં માલવિકા બાંસોદ અને આકાર્ષી કશ્યપ વચ્ચે ગોલ્ડ મેડલ મેચ રમાશે. ગુજરાતની તસ્નીમ મીર અને અદિતા રાવે સિંગલ્સમાં પ્રથમ રાઉન્ડમાં જીત મેળવી હતી. જોકે તેેઓ બીજા રાઉન્ડમાં હાર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.