ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરના નામની જાહેરાત
પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરની ભારતીય ટીમના હેડ કોચ તરીકે પસંદગી કરવામાં આવી છે. રાહુલ દ્રવિડએ વિશ્વકપ જીત્યા બાદ ભારતના હેડ કોચ તરીકેના પોતાના કાર્યકાળની સમાપ્તિ બાદ હેડ કોચ તરીકેની પોતાની ફરજમાંથી નિવૃતિ જાહેર કરી હતી. હવે તેમના સ્થાને ગૌતમ ગંભીરની પસંદગી કરવામાં આવી છે. BCCI ના સચિવ જય શાહ દ્વારા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી આ વાતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. BCCI સેક્રેટરી જય શાહે ટ્વિટર પર લખ્યું – હું ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરનું ખુશીથી સ્વાગત કરું છું. આધુનિક સમયમાં ક્રિકેટનો વિકાસ ખૂબ જ ઝડપથી થયો છે. ગૌતમ ગંભીરે આ બદલાતા માહોલને નજીકથી જોયો છે. વિવિધ ભૂમિકાઓમાં સારું પ્રદર્શન કર્યા પછી, મને વિશ્વાસ છે કે ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટને આગળ લઈ જવા માટે આદર્શ વ્યક્તિ છે. ભારતીય ટીમ માટે તેની સ્પષ્ટ દ્રષ્ટિ અને તેનો અનુભવ તેને આ રોમાંચક ભૂમિકા સંભાળવા માટે સંપૂર્ણ રીતે તૈયાર કરે છે. BCCI તેમને આ નવી સફર શરૂ કરવામાં સંપૂર્ણ સમર્થન આપે છે.
જો કે, ગૌતમ ગંભીરનું નામ લાંબા સમયથી ભારતીય ટીમમાં હેડ કોચ બનવા માટે ચર્ચાઇ રહ્યું હતું. ગૌતમ ગંભીર વર્ષ આઇપીએલ 2024 માં કેકેઆર ટીમના મેન્ટર હતા અને તેમના જ આ નેતૃત્વ હેઠળ કેકેઆરની યુવા ટીમ ચેમ્પિયન બની હતી. વધુમાં ગૌતમ ગંભીર આ પહેલા એલએસજીના ટીમના મેન્ટર હતા, તેમના કાર્યકાળ હેઠળ એલએસજીની ટીમ પણ સતત બે વર્ષ સુધી પ્લે ઓફમાં પહોંચી હતી. ગૌતમ ગંભીર એક ખેલાડી અને કેપ્ટનના રૂપમાં પણ કેકેઆરની ટીમને વર્ષ 2012 અને વર્ષ 2014 માં વિજેતા બનાવી ચૂક્યા છે.