ક્રિકેટ જગત: કેપ્ટન રોહીત શર્મા બન્યાં રિપોર્ટર! અજિંક્ય રહાણેને પૂછ્યા પ્રશ્ન

Sports
Sports

બુધવારથી ડોમિનિકામાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ સીરીઝ શરૂ થઈ રહી છે. ટીમ ઈન્ડિયાની તૈયારીઓ કેવી રીતે ચાલી રહી છે તે અંગે વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણેએ પણ મીડિયાને કેટલાય મોટા અપડેટ આપ્યા છે.અજિંક્ય રહાણેએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝને બિલકુલ હળવાશથી લઈ રહી નથી. આ સાથે તેણે યુવા ખેલાડીઓની તૈયારીઓ વિશે પણ વાત કરી. તમને જણાવી દઈએ કે અજિંક્ય રહાણેને માત્ર સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સે જ સવાલો પૂછ્યા નથી. પરંતું, કેપ્ટન રોહિત શર્મા પણ વાઇસ કેપ્ટન રહાણેને પ્રશ્નો પૂછતો જોવા મળ્યો હતો.

અજિંક્ય રહાણે મીડિયા સાથે વાત કરી રહ્યો હતો ત્યારે રોહિત શર્મા પણ ત્યાં હાજર હતો. કેપ્ટન રોહિત શર્મા પણ રિપોર્ટર બન્યો અને તેણે વાઇસ કેપ્ટન રહાણેને બે પ્રશ્નો પૂછ્યા હતાં. રોહિત શર્માનો પહેલો પ્રશ્ન ગંભીર હતો પરંતુ તેના બીજા પ્રશ્ન પર બધા હસી પડ્યા હતા. રોહિત શર્માએ અજિંક્ય રહાણેને પહેલો સવાલ પૂછ્યો કે તમે ઘણી વખત વેસ્ટ ઈન્ડિઝ આવ્યા છો. તમે આ વિકેટો પર ઘણું ક્રિકેટ રમ્યા છો તો તમે યુવા ખેલાડીઓને શું સલાહ આપશો? તેના પર રહાણેએ કહ્યું કે યુવા ખેલાડીઓ માટે વેસ્ટ ઈન્ડિઝમાં ધીરજ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.

આ પછી રોહિત શર્માએ રહાણેને પૂછ્યું કે વેસ્ટ ઈન્ડિઝમાં ખૂબ જ શાંત વાતાવરણ છે. આવી સ્થિતિમાં ક્રિકેટરો માટે કામ હોય ત્યારે કામ પર ધ્યાન આપવું કેટલું જરૂરી છે, સાંજે 5 વાગ્યા પછી શું કરવું તે પછી પણ વિચારી શકાય છે. રહાણેએ કહ્યું કે મેદાનમાં તો રમત વિશે વિચારવું જોઈએ. રહાણે પોતાનો જવાબ આપી રહ્યો હતો ત્યારે ડોમિનિકામાં ભારે વરસાદ પડ્યો અને બધાએ મેદાન છોડવું પડ્યું હતું.

તમને જણાવી દઈએ કે ચેતેશ્વર પૂજારાના ડ્રોપ બાદ સૌથી મોટો સવાલ એ છે કે ટીમ ઈન્ડિયા માટે નંબર 3 પર કોણ રમશે? જ્યારે રહાણેને આ સવાલનો જવાબ આપવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે એ નહોતું જણાવ્યું કે આ નંબર પર કોણ રમશે, પરંતુ તેણે ચોક્કસપણે કહ્યું કે આ સ્થાન પર તક મેળવનાર કોઈપણ બેટ્સમેન માટે પોતાને સાબિત કરવાની આ મોટી તક હશે. જો કે, રહાણે માટે પણ આ સિરીઝ ઘણી મહત્વની છે. રહાણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયામાં પરત ફર્યો હતો. ટીમની હાર થઈ હતી પરંતુ રહાણેનું પ્રદર્શન જોરદાર હતું, જે બાદ તેને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો. હવે જોવાનું એ રહેશે કે રહાણે આ સિરીઝમાં કેવું પ્રદર્શન કરે છે?


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.