બાંગ્લાદેશ ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને બીસીબીએ દેશમાં પરત ફરવાની અપીલ કરી
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસન હાલમાં ભારતમાં છે, જ્યાં તે ટેસ્ટ શ્રેણીનો ભાગ છે. આ ટેસ્ટ સિરીઝ આ મહિનાના અંતમાં સમાપ્ત થશે અને બાંગ્લાદેશી ટીમ પોતાના દેશ પરત જશે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું શાકિબ પણ દેશ પરત ફરશે? બાંગ્લાદેશ પરત ફર્યા બાદ શાકિબની ધરપકડ થશે? આ સવાલ એટલા માટે ઉભો થઈ રહ્યો છે કારણ કે બાંગ્લાદેશને આવતા મહિને ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેમાં શાકિબની ભાગીદારી અંગે સ્થિતિ સ્પષ્ટ નથી.
આવા સમયે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે શાકિબને દેશમાં પરત ફરવાની અપીલ કરી છે અને ખાતરી આપી છે કે બાંગ્લાદેશ પરત ફરવા પર તેને કોઈપણ રીતે હેરાન કરવામાં આવશે નહીં. ગત મહિને બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની સરકારના પતન બાદથી દેશમાં ઉથલપાથલ ચાલી રહી છે. શાકિબ અલ હસન આ વર્ષની શરૂઆતમાં હસીનાની અવામી લીગ પાર્ટીમાંથી સાંસદ બન્યા હતા અને સરકારનો ભાગ પણ હતા.
જ્યારથી શાકિબ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે શું તેની બાંગ્લાદેશ પરત ફરતી વખતે ધરપકડ કરવામાં આવશે? આ ડરને કારણે હજુ પણ શાકિબના બાંગ્લાદેશ પરત ફરવા અંગે શંકા છે અને આ શંકા અને ડરને દૂર કરવા માટે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધિકારી શહરયાર નફીસે એક અપીલ જારી કરી છે.
ઈએસપીએન ક્રિકઈન્ફોના અહેવાલ મુજબ બાંગ્લાદેશના કાયદાકીય સલાહકાર આસિફ નઝરુલે આશા વ્યક્ત કરી હતી કે દેશ પરત ફરવા પર શાકિબની ધરપકડ કરવામાં નહીં આવે. તેણે કહ્યું હતું કે સ્ટાર ઓલરાઉન્ડર સામે માત્ર એક એફઆઈઆર નોંધવામાં આવી છે અને પોલીસને વધુમાં વધુ ધીરજ રાખવાનું કહેવામાં આવ્યું છે. ગયા મહિને હસીનાની સરકાર પડી ત્યારે સાકિબ દેશમાં ન હતો, પરંતુ ત્યારથી તે પાછો ફર્યો નથી.
Tags Bangladesh cricket return Shakib