![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/01/ઓસ્ટ્રેલિયા-ટેસ્ટ-રેન્કિંગમાં-ટોચ-પર.jpg)
ઓસ્ટ્રેલિયા ટેસ્ટ રેન્કિંગમાં ટોચ પર પહોંચ્યું : ભારત નંબર-2 પર સરકી ગયું
2023ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીમ ICC ટેસ્ટ ટીમ રેન્કિંગમાં નંબર-1 પર પહોંચી ગઈ છે. ટીમને પાકિસ્તાન સામેની હોમ સિરીઝમાં 2 મેચ જીતવાનો ફાયદો મળ્યો હતો. જ્યારે ટીમ ઈન્ડિયા બીજા સ્થાને સરકી ગઈ છે. ટીમે સાઉથ આફ્રિકામાં 1-1થી શ્રેણી ડ્રો રમી હતી, જેના કારણે તેને હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારત 4 મહિના સુધી ત્રણેય ફોર્મેટમાં નંબર-1 હતું
ODI અને T-20માં ભારત હજુ પણ નંબર-1 પર છે. ટીમ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ત્રણેય ફોર્મેટમાં નંબર-1ના સ્થાને પહોંચી હતી. ઓસ્ટ્રેલિયા ટેસ્ટમાં ટોચ પર આવવાથી, ત્રણેય ફોર્મેટમાં ભારતનું એકતરફી વર્ચસ્વ 4 મહિના પછી સમાપ્ત થઈ ગયું.
ટીમ ઈન્ડિયા હવે 25 જાન્યુઆરીથી ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચની શ્રેણી રમશે. જો ટીમ ઈન્ડિયા 4-0 અથવા 5-0ના માર્જિનથી સિરીઝ જીતે છે તો ટીમ ટેસ્ટમાં ફરીથી નંબર-1 પર આવી જશે. હાલમાં રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાના 118 પોઈન્ટ અને ભારતના 117 પોઈન્ટ છે. ઇંગ્લેન્ડ 115 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.
વન-ડેમાં ઓસ્ટ્રેલિયા, T20માં ઇંગ્લેન્ડ બીજા ક્રમે
ICCની ODI અને T20 ટીમ રેન્કિંગમાં ભારત ટોપ પર છે. વનડેમાં ટીમના 121 પોઈન્ટ છે. આ ફોર્મેટમાં વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને અને સાઉથ આફ્રિકા ત્રીજા સ્થાને છે. કાંગારુઓના 117 પોઈન્ટ અને આફ્રિકાના 110 પોઈન્ટ છે.
T20 ટીમ રેન્કિંગમાં ભારતના 265 પોઈન્ટ છે. બીજા સ્થાને ઇંગ્લેન્ડ છે, જે આ ફોર્મેટનું વર્લ્ડ ચેમ્પિયન છે, તેના 256 પોઈન્ટ છે. હાલમાં જ ટીમને વેસ્ટ ઈન્ડિઝમાં 5 T20 સિરીઝમાં 3-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. T20 ટીમ રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડ ત્રીજા, પાકિસ્તાન ચોથા અને ઓસ્ટ્રેલિયા પાંચમા ક્રમે છે.
ટેસ્ટ બેટર્સમાં વિરાટ 9મા નંબર પર
- ટેસ્ટ પ્લેયર રેન્કિંગમાં ટોપ-10 બેટર્સમાં સામેલ વિરાટ કોહલી એકમાત્ર ભારતીય છે. તે સાઉથ આફ્રિકામાં ભારતનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો, જેના કારણે તેને 4 સ્થાનનો ફાયદો થયો અને તે 9મા નંબરે પહોંચી ગયો.
- બોલરોમાં રવિચંદ્રન અશ્વિન નંબર-1 પર યથાવત છે. જ્યારે રવીન્દ્ર જાડેજા ચોથા અને જસપ્રીત બુમરાહ પાંચમા ક્રમે છે. આ સિવાય ટોપ-10માં અન્ય કોઈ ભારતીય નથી.
- ઓલરાઉન્ડરોમાં ભારતના રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન પ્રથમ અને બીજા સ્થાને છે. ભારતનો અક્ષર પટેલ પણ પાંચમા નંબરે છે.