ઓસ્ટ્રેલિયા 386 રનમાં ઓલઆઉટ : સાત રનની સરસાઈ મેળવ્યા બાદ ઈંગ્લેન્ડના 28/2
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની એશિઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટ ભારે રોમાંચક તબક્કામાં પ્રવેશી હતી. ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગ 8 વિકેટે 393 રને ડિકલેર કરી હતી. જે પછી ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગ 386 રનમાં સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાની બાકીની પાંચ વિકેટે ઈંગ્લેન્ડે ત્રીજા દિવસે પહેલા જ સેશનમાં ઝડપી લેતા યજમાન ટીમને સાત રનની પાતળી સરસાઈ મળી હતી. જોકે ત્યાર બાદ વરસાદી માહોલમાં ઈંગ્લેન્ડની શરુઆત સારી રહી નહતી અને તેમણે 10.3 ઓવરમાં બે વિકેેટ 28 રન નોંધાવ્યા હતા. આ તબક્કે શરુ થયેલા વરસાદને પગલે રમત વહેલી પુરી થયેલી જાહેર કરવી પડી હતી.
ઈંગ્લેન્ડના બોલરોએ ત્રીજા દિવસે સવારે અસરકારક દેખાવ કર્યો હતો અને ઓસ્ટ્રેલિયા તેના ગઈકાલના પાંચ વિકેટે 311ના સ્કોરમાં વધુ 75 રન ઉમેરતા ઓલઆઉટ થયું હતુ. રોબિન્સને અસરકારક દેખાવ કરતાં ખ્વાજા (141)ની સાથે લાયન અને કમિન્સની વિકેટ ઝડપી હતી. બ્રોડે બોલેન્ડને આઉટ કર્યો હતો. જ્યારે એન્ડરસને કેરી (66)ને પેવેલિયન ભેગો કર્યો હતો. બ્રોડ અને રોબિન્સને 3-3 વિકેટ મેળવી હતી.
બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડની શરુઆત સારી રહી નહતી. ક્રાવલી અને ડકેટે 27 રન જોડ્યા ત્યારે કમિન્સ ત્રાટક્યો હતો. તેણ ડકેટને ગ્રીનના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. આ પછી બોલેન્ડે વિકેટની પાછળ ક્રાવલી (7)ને કેચઆઉટ કરાવતા ઈંગ્લેન્ડે 27 રનમાં જ બીજી વિકેટ ગુમાવી હતી. આખરે પાૅપ અને રુટ ખાતું ખોલાવ્યા વિના ક્રિઝ પર ટકી રહ્યા હતા.