અયોધ્યામાં શ્રી રામ મંદિરની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલ્વે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) 25 જુલાઈ 2025 થી ‘શ્રી રામાયણ યાત્રા’ નામની તેની પાંચમી વિશેષ ટ્રેન યાત્રા શરૂ કરવા જઈ રહ્યું છે. આ યાત્રા 22 જાન્યુઆરી 2024 ના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે આયોજિત સમારોહ પછી શરૂ થયેલી શ્રેણીનો એક ભાગ છે. IRCTC અનુસાર, ‘શ્રી રામાયણ યાત્રા’ 25 જુલાઈ 2025 થી શરૂ થશે અને તેમાં ભગવાન રામ સાથે સંકળાયેલા 30 થી વધુ સ્થળોનો સમાવેશ થશે.
આ યાત્રા અયોધ્યાથી શરૂ થશે અને ત્યારબાદ દક્ષિણ ભારતમાં નંદીગ્રામ, સીતામઢી, જનકપુર, બક્સર, વારાણસી, પ્રયાગરાજ, ચિત્રકૂટ, નાસિક, હમ્પી અને અંતે રામેશ્વરમ ટાપુ જશે. આ પછી, યાત્રા દિલ્હી પરત ફરીને સમાપ્ત થશે. IRCTC અધિકારીઓએ જણાવ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પછી ધાર્મિક અને સાંસ્કૃતિક પર્યટનને મોટો વેગ મળ્યો છે. દેશભરના ભક્તો આ સ્થળોની મુલાકાત લેવામાં રસ દાખવી રહ્યા છે.
IRCTC ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “રામ મંદિરના ઉદ્ઘાટન પછી આ અમારી પાંચમી ‘રામાયણ યાત્રા’ છે. અગાઉની બધી યાત્રાઓને શ્રદ્ધાળુઓ તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો.” યાત્રાનું ભાડું થર્ડ એસી માટે પ્રતિ વ્યક્તિ રૂ. ૧,૧૭,૯૭૫, સેકન્ડ એસી માટે રૂ. ૧,૪૦,૧૨૦, ફર્સ્ટ એસી કેબિન માટે રૂ. ૧,૬૬,૩૮૦ અને ‘ફર્સ્ટ એસી’ કૂપ માટે રૂ. ૧,૭૯,૫૧૫ નક્કી કરવામાં આવ્યું છે.