પાલનપુરના આબુ હાઇવે પર આવેલા શ્રી આર્કેડમાં સ્પા સેન્ટર ચાલી રહ્યું છે. જે સ્પા સંચાલક દ્વારા હેર સલૂન ધરાવતા દુકાનદારની કનડગત કરાતી હોવાની રાવ ઉઠી છે. જોકે, સ્પા સંચાલકો સાથે સાંઠગાંઠ ધરાવતી પોલીસ કોઈ પગલાં ભરતી ન હોવાના આક્ષેપો પીડિત દુકાનદારે કર્યા હતા.
પાલનપુરના આબુ હાઇવે પર ઇન્કમટેક્ષ ઓફીસ પાસે આવેલા શ્રી આર્કેડમાં પીડિત દુકાનદાર પ્રવિણભાઇ નાઈ હેર કટિંગ સલૂન ધરાવે છે. જેની ઉપરના માળે કીર્તિભાઈ રાઠોડનું સ્પા સેન્ટર ચાલે છે. જોકે, સ્પા સેન્ટર માં અનૈતિક ધંધા ચાલતા હોઈ હેર કટિંગ સલૂનવાળાએ અગાઉ પોલીસમાં અરજી કરી હતી. જેને લઈને સ્પા સંચાલક દ્વારા પીડિત દુકાનદારને ધાક ધમકીઓ આપી ખોટી પજવણી કરવામાં આવી રહી હોવાની રાવ ઉઠી છે. સ્પા માં કામ કરતી છોકરીઓ દુકાનમાં ઘુસી જઈ પીડિત દુકાનદાર સાથે લાપડઝાપડ કરી ધમકાવતી હોવાના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ અંગે પોલીસને અરજીઓ આપી એસ.પી.ને આવેદનપત્ર આપવા છતાં કોઈ પગલાં ભરાયા નથી. ત્યારે સ્પા સંચાલક સાથે પોલીસની સાંઠગાંઠથી કોઇ પગલાં ભરાતા ન હોવાના આક્ષેપો પીડિત દુકાનદાર પ્રવિણભાઈ નાઈએ કર્યા હતા.
જોકે, પોલીસની રહેમ નજર તળે સ્પા સંચાલક પોતાને જાનથી મારી નાખશે તેવી ભીતિ પીડિત દુકાનદારે વ્યક્ત કરતા પોલીસ કોઈ અનહોનીની રાહ જોઈ રહી હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

