તમિલનાડુની 6 ખાલી બેઠકો માટે ચૂંટણી યોજાશે : કમલ હસનની પાર્ટીને ડીએમકેનું સમર્થન
કન્નડ ભાષાને લઈને થયેલા વિવાદને કારણે દક્ષિણના સુપર સ્ટાર કમલ હસન તાજેતરમાં ચર્ચામાં આવ્યા હતા. કર્ણાટકમાં તેમની ખૂબ ટીકા થઈ હતી. જોકે કમલ હસને તેને ગણકારી ન હતી. દક્ષિણ ભારતના અભિનેતાઓ એક ઉંમર બાદ રાજકારણમાં પ્રવેશ કરતા હોય છે. કમલ હસન પણ એ જ રસ્તે આગળ વધી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. કમલ હસન હવે રાજ્યસભા તરફ પ્રયાણ કરશે એવા સંકેતો સ્પષ્ટ થઈ રહ્યા છે.રાજ્યસભામાં તમિલનાડુની કુલ 18 બેઠકો છે. 18 પૈકીની 6 બેઠકો 24 જુલાઈ 2025ના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. જેમાં MDMKના વરિષ્ઠ નેતા વાયકો અને અંબુમણી રામદાસનો સમાવેશ થાય છે.
ચૂંટણી પંચ દ્વારા આ 6 બેઠકો માટે આગામી સમયમાં ચૂંટણીની જાહેરાત કરી છે. જેને લઈને 6 જૂન 2025ને શુક્રવારે કમલ હસને તમિલનાડુના રાજ્ય સચિવાલય ખાતે રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું. આ પ્રસંગે તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિન, નાયબ મુખ્ય પ્રધાન ઉદયનિધિ સ્ટાલિન અને તેમના પક્ષના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.અભિનેતા કમલ હસને 2018માં મક્કલ નીધિ મૈયમ નામના રાજકીય પક્ષની સ્થાપના કરી હતી. 2024ની લોકસભાની ચૂંટણી દરમિયાન તેમણે ડીએમકેના નેતૃત્વ હેઠળના ગઠબંધનને સમર્થન આપ્યું હતું. આ સમર્થનના બદલામાં તેઓને ડીએમકે દ્વારા રાજ્યસભાની એક બેઠકનું વચન આપવામાં આવ્યું હતું. કમલ હસન ડીએમકે દ્વારા જાહેર કરાયેલા રાજ્યસભાના ત્રણ ઉમેદવારો પૈકીના એક છે. 19 જૂનના રોજ ચૂંટણી યોજાવાની છે. જોકે આ ચૂંટણીમાં તમામ 6 ઉમેદવારો બિનહરીફ ચૂંટાવાની સંભાવના રહેલી છે.