હિમાચલ પ્રદેશના અનેક જિલ્લામાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. જેના કારણે ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત રાજ્યના ઓછામાં ઓછા 233 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યના કિન્નૌર, લાહૌલ અને સ્પીતિ, શિમલા, કુલ્લુ, મંડી, ચંબા અને સિરમૌર જિલ્લાના ઊંચા વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે. શિમલા હોટેલ એન્ડ ટુરિઝમ સ્ટેકહોલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ એમ.કે. શેઠે કહ્યું કે શિમલામાં હોટલના 70 ટકા રૂમ ભરેલા છે. તેમણે કહ્યું કે હિમવર્ષાને કારણે રૂમ બુકિંગમાં 30 ટકાનો વધારો થયો છે.
રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અટારી અને લેહ વચ્ચે, કુલ્લુ જિલ્લાના સાંજથી ઓટ વચ્ચે, કિન્નૌર જિલ્લાના ખાબ અને સંગમ વચ્ચે અને લાહૌલ અને સ્પીતિના ગ્રમ્ફૂમાં ટ્રાફિક અવરોધિત છે. રાજ્યભરમાં કુલ 233 માર્ગો પર વાહનવ્યવહાર થંભી ગયો છે. અધિક મુખ્ય સચિવ (મહેસૂલ અને આપત્તિ) ઓમકાર શર્માએ જણાવ્યું હતું કે અટલ ટનલ પાસે ફસાયેલા લગભગ 500 વાહનોમાં હાજર પ્રવાસીઓને મોડી રાત સુધીમાં સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, હિમવર્ષાને કારણે છેલ્લા 24 કલાકમાં અકસ્માતોમાં ચાર લોકોના મોત થયા છે અને કેટલાક સ્થળોએ વાહન સ્લિપ થવાને કારણે ઘણા લોકો ઘાયલ થયા છે. પ્રશાસને હજુ સુધી મૃતકો વિશે કોઈ માહિતી શેર કરી નથી.