મકાન માલિકે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી; રાધનપુરના અરજણસર ગામમાં અજાણ્યા તસ્કરોએ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના સહિત નો મુદામાલ ચોરી કરી ફરાર થયાની રાધનપુર પોલીસ મથકે મકાન માલિક દ્રારા ફરિયાદ નોંધાવતા પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી માહિતી મુજબ રાધનપુરના અરજણસર ગામમાં રહેતા વાસુદેવભાઈ બજરંગદાસ સાધુના મકાનમાં તસ્કરોએ તા. 25 જૂન સાંજના 7 વાગ્યાથી 26 જૂન બપોરના 12 વાગ્યા દરમિયાન સીડી વાટે ઘરમાં પ્રવેશ કરી મકાનના અંદરના ખંડમાં રાખેલી લાકડાની તિજોરી તોડી તેમાંથી સોનાની 5 વીંટી (10 ગ્રામ, કિંમત રૂ. 42,000), 3 સોનાના ઓમ (5 ગ્રામ, કિંમત રૂ. 21,000) અને 25 ચાંદીના સિક્કા (કિંમત રૂ. 11,750)સહિત કુલ રૂ. 74,750ની મત્તાની ચોરી કરીને તસ્કરો એ જ સીડી મારફતે ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ હાલ સાતેજ (તા. કલોલ, જિ. ગાંધીનગર)માં રહેતા 62 વર્ષીય વાસુદેવ ભાઈને થતાં તેઓએ રાધનપુર પોલીસ મથકે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

