સરકારી તંત્રની બેરહેમીથી લીલા વૃક્ષોનું જાહેરમાં નિકંદન
દર્દી અને તેમના પરીવાર માટે આશીર્વાદ રૂપ વૃક્ષોની કતલથી આક્રોશ
એક તરફ રાજ્ય સરકાર પર્યાવરણની જાળવણી અને વૃક્ષારોપણની મોટી મોટી વાતો કરી રહી છે, ત્યારે બીજી તરફ સરકારી તંત્રની બેરહમીના કારણે ડીસાની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં લીલાછમ અને ઘટાદાર વૃક્ષોનું આડેધડ નિકંદન (કતલ) કરી દેવાયું હોવાની ગંભીર ઘટના સામે આવી છે. દર્દીઓ અને તેમના સગાં-સંબંધીઓ માટે આશીર્વાદરૂપ ગણાતા આ વૃક્ષોના વિનાશથી પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. ડીસાની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં છેલ્લા ઘણા વર્ષોથી ઉછરેલા અને ભરપૂર ઓક્સિજન આપતા અંદાજે ડઝન જેટલા વૃક્ષોને તાજેતરમાં કાપી નાખવામાં આવ્યા છે. હોસ્પિટલ કેમ્પસમાં છાંયડો અને શીતળતા આપતા આ લીલા વૃક્ષોને કાપવા પાછળ તંત્ર દ્વારા કોઈ ચોક્કસ કારણ આપવામાં આવ્યું નથી. જો કે, સૂત્રોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલના નવીનીકરણ કે બાંધકામના બહાના હેઠળ આ ઋષિ સમાન વૃક્ષોનો ભોગ લેવાયો છે.
સ્થાનિક નાગરિકો અને સામાજિક કાર્યકરોનું કહેવું છે કે, આ વૃક્ષો સંપૂર્ણપણે તંદુરસ્ત હતા અને કોઈ પણ રીતે જોખમી નહોતા. તેમ છતાં, સરકારી બાબુઓની બેદરકારી અને પર્યાવરણ પ્રત્યેની ઉદાસીનતાના કારણે આ ‘હરિયાળીની કતલ’ કરવામાં આવી છે. આ કાર્યવાહી પર્યાવરણના કાયદાનું સીધું ઉલ્લંઘન છે, અને તંત્રએ આ અંગે કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધી હોવાનું જણાતું નથી.તેમ જણાવી નિષ્ઠુર તંત્ર સામે બળાપો ઠાલવ્યો હતો.
સિવિલ સુપ્રીટેન્ડેન્ટનો લુલો બચાવ
આ ગંભીર મામલે જ્યારે ડીસા સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રીટેન્ડન્ટનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે આ કાર્યવાહીને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો.અને જણાવ્યું હતું કે આગામી સમયમાં તંત્ર દ્વારા દર્દીઓ માટે નવીન હોસ્પીટલ બનાવવાની કામગીરી શરૂ થનાર છે અને અમને ઉપરથી સૂચના હતી કે હોસ્પિટલના નવા બિલ્ડિંગના બાંધકામ માટે જગ્યા કરવાની હતી. આ ઉપરાંત, કેટલાક વૃક્ષો જૂના થઈ જતાં જોખમી બની ગયા હતા. અમે વૃક્ષો કાપ્યા છે, પરંતુ તેની સામે નવા વૃક્ષો વાવવાનું આયોજન પણ કરી રહ્યા છીએ અને જે તે કમ્પનીને તેનો કોન્ટ્રાક પણ આપી દીધો છે હાલ જેટલાં વૃક્ષ કપાય છે તેની સામે બીજા વધુ વૃક્ષ વાવવામાં પણ આવશે તેમ ઉમેર્યું હતું.

