મહાકુંભમાં નાસભાગ બાદ હવે સ્થિતિ કાબુમાં આવી ગઈ છે અને અખાડાઓએ અમૃતસ્નાન લેવાનું શરૂ કરી દીધું છે. સાંસદ હેમા માલિનીએ આજે મૌની અમાવસ્યા પર ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી છે. આ દરમિયાન તેમની સાથે જૂના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરી મહારાજ અને યોગ ગુરુ બાબા રામદેવ પણ હાજર હતા અને તેઓએ સંગમમાં પવિત્ર સ્નાન પણ કર્યું હતું. પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં નાસભાગ બાદ સ્થિતિ કાબૂમાં આવી ગઈ છે. અગાઉ એવા અહેવાલ હતા કે તમામ 13 અખાડાઓએ અમૃત સ્નાન રદ કરી દીધું છે. જોકે, હવે અખાડાઓએ અમૃતસ્નાન શરૂ કર્યું છે. અખાડા પરિષદે સીએમ યોગી સાથે પણ વાત કરી છે.
મહાકુંભનું બીજું અમૃત સ્નાન: આજે પ્રયાગરાજ મહાકુંભનું બીજું અમૃત સ્નાન છે. આજે મૌની અમાવસ્યા નિમિત્તે 10 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ મહાકુંભમાં સ્નાન કરે તેવી શક્યતા છે. મહાકુંભની શરૂઆતથી લઈને 28 જાન્યુઆરી સુધી 19.94 કરોડ લોકોએ સ્નાન કર્યું છે.
સીએમ યોગીનું નિવેદન સામે આવ્યું છે : મહાકુંભમાં નાસભાગ પર સીએમ યોગીએ કહ્યું કે પ્રયાગરાજમાં 10 કરોડ ભક્તો હાજર છે. પીએમ મોદી સાથે 4 વખત વાત કરી છે. પ્રયાગરાજમાં સ્થિતિ નિયંત્રણમાં છે. કોઈપણ પ્રકારની અફવા પર ધ્યાન ન આપો. પહેલા સામાન્ય ભક્તો સ્નાન કરે છે. તમે કોઈપણ ઘાટ પર જઈને સ્નાન કરી શકો છો. ભક્તોએ સંગમ નાકે જવાનો પ્રયાસ ન કરવો જોઈએ. તેમણે કહ્યું કે સંગમ કાંઠે પહોંચવાની દોડમાં આ નાસભાગ મચી હતી પરંતુ હવે સ્થિતિ નિયંત્રણમાં છે. અખાડા માર્ગ પર બેરિકેડિંગ તૂટવાને કારણે આ અકસ્માત થયો હતો. કેટલાક ભક્તો ગંભીર રીતે ઘાયલ થયા છે.