સાબરકાંઠા જિલ્લાના માનસિક અસ્થિર બહેન મેળામાં ભુલા પડી ગયા હતા
સખી વન સ્ટોપ સેન્ટર પાલનપુર દ્વારા બહેનનું કાઉન્સિલિંગ કરીને પરિવાર સાથે પુનઃસ્થાપન કરાવ્યું
મહિલા અને બાળ વિભાગ સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર પાલનપુર દ્વારા સાબરકાંઠા જિલ્લાની મહિલાને તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાની એક મહિલા કે જેઓ પોતાના પરિવાર સાથે ખેતમજુરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. મહિલા પોતે માનસિક અસ્થિર હોવાથી ઘરેથી નીકળી ગયા હતા અને ભાદરવી પુનમના મેળા દરમિયાન આ આશ્રિત બહેન ભીડ સાથે ચાલતા થઈ ગયા હતા અને તેઓ માનસિક બીમાર હોવાથી ભુલા પડી ગયા હતા.
આ બહેન મેળામાં આઠ દિવસ સુધી અલગ અલગ સ્થળોએ રહ્યા હતા છેવટે પોલીસ વિભાગને મળી આવ્યા હતા. પોલીસ દ્વારા તેમને સખી વન સ્ટોપ સેન્ટર પર મૂકવામાં આવ્યા હતા. બહેન ખુબજ હતાશ હતા અને વાત કરવાથી પણ ડરતા હતા. સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક નીલોફરબેન દ્વારા તેમનું કાઉન્સિલિંગ કરી સમજાવી આશ્વાસન આપી અને પૂછપરછ કરી અને આપેલ સરનામા પર પૂછપરછ કરતાં તેમનો પરિવાર મળી આવેલ હતો ત્યારબાદ પરિવાર ને જાણ કરી મહિલાને લેવા માટે બોલાવેલ પરિવાર ને જોઈને બહેન રડવા લાગ્યા હતા. આમ, પરામર્શ દ્વારા બહેનનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું. બહેનના પરિવારે સખી વન સ્ટોપ સેન્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો.

