ડીસા શહેરમાં ગુરુવારે સવારના સુમારે જુની કોર્ટ નજીક આવેલા ખુશ્બુ શોપિંગ સેન્ટરમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં દોડધામ મચી ગઈ હતી. શોપિંગ સેન્ટરમાં આવેલી મુરલીધર ફેશન પોઇન્ટ નામની દુકાનના ઉપરના ભાગેથી અચાનક ધુમાડો નીકળવાનું શરૂ થતાં દુકાન અને આસપાસના વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.
જો કે, દુકાનના માલિકે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક પાલિકાના ફાયર ફાઇટરને જાણ કરી હતી. જાણ થતાં જ ફાયર ફાઇટરની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. સદનસીબે, ફાયર ફાઇટર ટીમ પહોંચે તે પહેલાં જ આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું ન હતું અને આગ બુઝાઈ ગઈ હતી. જેના કારણે દુકાનમાં મોટું નુકસાન થતાં અટક્યું હતું અને મોટી જાનહાનિ ટળી હતી.
સમયસરની કાર્યવાહી અને તકેદારીના કારણે દુકાન માલિકને લાખોના નુકસાનમાંથી બચાવી શકાયા હતા. શોર્ટ સર્કિટના કારણે સર્જાયેલી આ ઘટનાએ શોપિંગ સેન્ટરની અન્ય દુકાનદારોમાં પણ ચિંતાનો માહોલ પેદા કર્યો હતો.
Beta feature


