પાટણ જિલ્લા પોલીસ વડા વી.કે. નાઈની સૂચના મુજબ નાસતા-ફરતા આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ ટીમ મિલકત સંબંધી ગુનાઓની તપાસમાં હતી. વારાહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી. બાતમી મુજબ, વારાહી પારકરાવાસમાં રહેતા ઈશ્વરભાઈ ખેંગારભાઈ પારકરાના મકાન આગળથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.
પકડાયેલા આરોપી ફિરોજ ગુલામરસુલ થેબા (રહે. સીધાડા, તા. સાંતલપુર) વારાહીમાં રોનક વાસણ ભંડારની દુકાન ચલાવે છે. તેણે સોલર પાર્કના કોપરના કેબલ વાયરો છળકપટથી મેળવ્યા હતા. પોલીસે પ્લાસ્ટિકના કાળા, લાલ અને સફેદ કલરના અલગ-અલગ ગુંચળા કબજે કર્યા છે. જપ્ત કરાયેલા કેબલનું કુલ વજન 600 કિલોગ્રામ છે, જેની કિંમત રૂ. 3 લાખ આંકવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું કે આ મુદ્દામાલ ઇકબાલ રાજા (રહે. રાજુસરા, તા. સાંતલપુર) દ્વારા પૂરો પાડવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.