સરહદી વિસ્તારના ખેડૂતોને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અપીલ: સૂક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવી પાણી અને જમીન બંને બચાવીએ
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે થરાદ ખાતે રૂ.૧૩.૨૮ કરોડના ખર્ચે નવનિર્મિત વહીવટી બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું હતું. વિવિધ સુવિધાઓથી સજ્જ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ વહીવટી સંકુલનું અધ્યક્ષના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
થરાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા થરાદ પંથકના વિકાસ માટે અનેક કાર્યો કર્યા છે. રાજ્ય સરકાર હર હંમેશા ખેડૂતોના પડખે રહીને છેવાડાના વ્યક્તિની ચિંતા કરી છે. તેમણે ખેડૂતોને અપીલ કરી હતી કે, એક એક ટીંપુ પાણી બચાવીએ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કેચ ધ રેઈન અભિયાનને સફળ બનાવીએ. ગામનું પાણી ગામમાં તથા સીમનું પાણી સીમમાં રહે તે માટે જળ સંચય સહિતના કાર્યો કરવા ખેડૂતોને તેમણે આહવાન કર્યું હતું.
વિધાનસભાના અધ્યક્ષએ ખેડૂતોને અપીલ કરી હતી કે, તેઓ વધુમાં વધુ સૂક્ષ્મ પિયત પદ્ધતિનો ઉપયોગ કરે જેનાથી જમીનમાં આવતો ક્ષાર અટકાવી શકાય તથા આપણી જમીનને બચાવી શકાય. તેમણે નર્મદા નિગમને પિયાવો ફરજિયાત આપવા અપીલ કરી હતી. દરેક ખેડૂતે પાણી માટે નર્મદા નિગમમાં નાણાં જમા કરાવવા એ આપણી ફરજ હોવાનું જણાવ્યું હતું.
આ સાથે અધ્યક્ષએ જાહેરાત કરતા જણાવ્યું કે, રાજ્ય સરકાર અને ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા તારીખ ૨૨ મે ૨૦૨૫ના રોજ વાવ થરાદ વિસ્તારની બ્રાંચ કેનાલમાં નર્મદાનું પાણી છોડવામાં આવશે જેથી કરીને ઉનાળાની ગરમીમાં પશુ – પક્ષી અને ખેડૂતોને ફાયદો મળી રહેશે. તેમણે માઁ નર્મદાનું પાણી એ પાણી નહીં પરંતુ પ્રસાદ છે તેમ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, અધિક્ષક ઇજનેર, સરદાર સરોવર નર્મદા નિગમ લિમીટેડ, થરાદ હસ્તક ૩ વિભાગીય કચેરી તથા ૧૬ પેટા વિભાગીય કચેરીઓ કાર્યરત છે. જેમાં કુલ ૧૮૭ અધિકારી/કર્મચારીઓનું મહેકમ મંજુર થયેલ છે. થરાદ વર્તુળ હેઠળ નર્મદા વહીવટી સંકુલનું કુલ રૂ.૧૩.૨૮ કરોડના ખર્ચે વર્ષ-૨૦૨૩માં કામગીરી ચાલુ કરાઈ હતી જેનું લોકાર્પણ કરાયું છે. થરાદ વર્તુળ કચેરી હેઠળ ૬ બ્રાન્ચ અને ૩ ડાયરેક્ટ ડીસ્ટ્રીનો સમાવેશ થાય છે. જેના થકી બનાસકાંઠા જિલ્લાના થરાદ, વાવ, ભાભર, સુઈગામ વિસ્તારનો કુલ કમાન્ડ ૧,૩૦,૦૦૦ હેક્ટરથી વધુ વિસ્તારને સિંચાઇ માટે પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે છે.