ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે શૈલેષભાઈ રાયગોરે ચાર્જ સંભાળ્યો; આગામી 15 દિવસમાં નવા મહિલા પ્રમુખનું નામ નક્કી થશે

આગામી 15 દિવસમાં નવા મહિલા પ્રમુખનું નામ નક્કી થશે : શહેર ભાજપ પ્રમુખ બનાસકાંઠા જિલ્લાની ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવેએ રાજીનામું આપ્યા બાદ વચગાળાના ઇન્ચાર્જ પ્રમુખ તરીકે પાલિકાના હાલના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોરે પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.

ઘણા લાંબા સમયથી વિવાદમાં સપડાયેલી ડીસા નગરપાલિકામાં પાલિકા પ્રમુખ સંગિતાબેન દવેએ રાજીનામું આપ્યા બાદ ખાલી પડેલી પ્રમુખ પદની જગ્યા પર આજે પાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોરે બપોરના વિજય મુહૂર્તમાં ચાર્જ સંભાળ્યો હતો. ડીસા નગરપાલિકામાં બીજા ટર્મ માટે જ્યારથી પ્રમુખની વરણી થઈ ત્યારથી વિવાદ ચાલી રહ્યો હતો. ભાજપનું એક ગ્રૂપ સતત પાલિકા પ્રમુખ સંગિતાબેન સામે નારાજ હતું અને તાજેતરમાં ભાજપના સદસ્યોએ અપક્ષો સાથે મળી તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા બાદ પાલિકા પ્રમુખે રાજીનામું આપતા સમગ્ર વિવાદનો અંત આવી ગયો છે.

ત્યારે પાલિકા પ્રમુખના રાજીનામાં બાદ આજે નગર પાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોરે ભાજપના આગેવાનો, કાર્યકરો તેમજ બ્રહ્મ સમાજના ભાઈ -બહેનો તેમજ તેમના સમર્થકો સાથે વિજય મુહૂર્તમાં પાલિકા પ્રમુખનો ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપના સંજયભાઈ બ્રહભટ્ટ, ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, અમૃતભાઇ દવે, પાલિકા સદસ્ય નિલેષભાઈ ઠક્કર, રાજુભાઇ ઠાકોર, ચેતનભાઈ ત્રિવેદી, વાસુભાઈ મોઢ સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ડીસા નગરપાલિકાના નવા મહિલા પ્રમુખ તરીકેના દાવેદારોમાં નીતાબેન નિલેશભાઈ ઠક્કર, ભારતીબેન ભરતભાઈ પટેલ અને ઉષાબેન ભદ્રેશભાઈ મેવાડાનું નામ હાલ ચર્ચામાં છે. ત્યારે આગામી દિવસમાં પાર્ટી કોને મેન્ડેટ આપશે ? તે નક્કી થશે. આ બાબતે શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દેલવાડીયાએ જણાવ્યું હતું કે, પાલિકાની આ ટર્મ મહિલા અનામત હોવાથી આગામી પંદરેક દિવસમાં પાર્ટી મહિલા પ્રમુખ તરીકેનું નામ જાહેર કરશે.

subscriber

Related Articles