પત્રકારોએ માતાજીની સેવા માની પત્રકારત્વ ધર્મ નિભાવ્યો છે:- જિલ્લા કલેકટર મિહિર પટેલ
અંબાજી ભાદરવી પૂનમનો મેળો ૨૦૨૫ અનેક રીતે યાદગાર અને અવિસ્મરણીય બની રહ્યો છે. ભાદરવી પૂનમને મેળાના અંતિમ દિવસે વરસાદી માહોલ વચ્ચે પણ માઇભક્તો માઁ અંબાના દર્શનાર્થે ઉમટ્યા હતા. માઁ અંબાના આશીર્વાદથી ભાદરવી પૂનમનો મહામેળો સુખરૂપ સંપન્ન થયો છે. જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ્રના ચેરમેન મિહિર પટેલની અધ્યક્ષતામાં માતાજીનો મેળો સુખરૂપ પૂર્ણ થવાની ખુશીમાં મેળામાં લાખો માઇભકતોની નિસ્વાર્થ સેવા કરતા સેવા કૅમ્પોના આયોજકો અને મેળાને વિશ્વના ખૂણે ખૂણે પહોચાડતા પત્રકારશ્રીઓનો સત્કાર સમારોહ યોજાયો હતો. જેમાં તમામ સેવા કેમ્પોના આયોજકો, જિલ્લા માહિતી કચેરી પાલનપુરની ટીમ અને પત્રકારશ્રીઓનું ઋણ સ્વીકાર કરતું પ્રમાણપત્ર આપી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી.
શક્તિપીઠ અંબાજીમાં લાખો કરોડો શ્રદ્ધાળુઓ આસ્થા શ્રદ્ધા વિશ્વાસ ધરાવતા હોઇ ચાલુ વર્ષે મેળામાં લાખોની સંખ્યામાં માઇ ભક્તો દર્શનાર્થે આવવાની ધારણા હતી. આટલી મોટી સંખ્યામાં માઇ ભક્તો મેળામાં આવતા હોય ત્યારે તેમના દર્શન, વિસામો, પાર્કિંગ, આરોગ્ય, સુરક્ષા, અને જાન માલની સુરક્ષાનું આયોજન અને વ્યવસ્થા પુરી પાડવા માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા મેળામાં યાત્રિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી કે અગવડ ન પડે એ પ્રકારનું આયોજન કરવાનો મોટો પડકાર હતો. ત્યારે વહીવટી તંત્ર અને સેવા કૅમ્પોના આયોજકોના સંકલનથી માઈ ભક્તોની તમામ સુવિધાઓ સચવાઈ હતી. જ્યારે મેળાના પ્રસાર પ્રચારની કામગીરી પત્રકારોએ સુપેરે નિભાવી હતી.
જિલ્લા કલેકટર મિહિર પટેલે સેવા કેમ્પોની સેવાઓને બિરદાવી જણાવ્યું હતું કે, સેવા કેમ્પના આયોજકો સાથે સતત મીટીંગ અને સંકલનથી સમગ્ર આયોજન અને વ્યવસ્થાની રૂપરેખા તથા સારી કામગીરી થઈ શકી છે. મેળાની વ્યવસ્થાઓનું સતત મોનીટરીંગ અને ફીડબેક લેવામાં આવ્યું હતું. દર વર્ષે વ્યવસ્થાઓ સારી હોય છે અને ઉત્તરોત્તર તેમાં સુધારો થઈ રહ્યો છે અને સારી વ્યવસ્થાઓ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વરસાદી માહોલ વચ્ચે વોટર પ્રૂફ ડોમ સહિત ભવ્ય સેવા કેમ્પ લાખો માઈભક્તોની સેવામાં અવિરત સેવા બદલ કલેકટરશ્રીએ તમામને અભિનંદન પાઠવ્યા હતા.

