લેતી દેતી મામલે મહિલાની હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તારણ
પાલનપુર શહેરમાં એક મહિલાની હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પાલનપુર હાઈવે પર આવેલ નાળામાંથી એક ગુમશુદા મહિલાનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે.
ઘટનાસ્થળે ઉપસ્થિત મૃતકના પરિવારજનોના જણાવ્યા મુજબ, પાલનપુરની હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતી શાંતિબેન આકેડીવાલા નામની મહિલા ત્રણેક દિવસ અગાઉ ઘરેથી બહાર નીકળ્યા બાદ પરત ન ફરતા તેમના પરિવારજનોએ તેની ગુમ થયા હોવાની જાણવા જોગ ફરિયાદ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશને આપી હતી. જોકે, ગુમશુદા મહિલાનો હત્યા કરી નાળામાં ફેંકી દેવાયેલો મૃતદેહ આજે મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ મૃતકના પતિ વસંત આકેડીવાલા સહિત પરિવારજનો તાત્કાલિક પોલીસ મથકે પહોંચી ગયા હતા. મૃતકના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, છેલ્લા 15 વર્ષથી રેખા નામની મહિલાની સાથે મૃતકને પારિવારિક સંબંધ હતા. અને દાગીના અને રોકડ રકમની લેવડ-દેવડને લઈને વિવાદ ચાલતો હતો. આ મામલે તેઓની હત્યા કરવામાં આવી હોવાનો પ્રાથમિક અનુમાન મૃતકના પરિવારજનોએ વ્યકત કરી હતી.
ઘટનાને લઈને મોટી સંખ્યામાં સમાજના લોકો અને પરિવારજનો પોલીસ મથકે એકત્રિત થયા હતા. જ્યાં તેઓએ હત્યારાઓને ઝડપી લઈ તેઓનો વરઘોડો કાઢવાની માંગ કરી હતી. ત્યારે પોલીસે સમગ્ર મામલે હત્યાની ફરિયાદ નોંધી શકમંદોની પૂછપરછ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


