૫૩૦ મહિલાઓએ ભાગ લીધો. નોકરી માટે કુલ ૩૨૯ બહેનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું
મહિલા સ્વાવલંબન યોજના, મિશન મંગલમ, પી.એમ વિશ્વકર્મા યોજના અંતર્ગત મંજુર થયેલ ચેકનું વિતરણ કરાયું
મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી અંતર્ગત મંગળવારે રંગભવન હોલ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા ભારતીબેન ચૌધરી ચેરમેન મહિલા બાળ વિકાસ યુવા પ્રવૃતિ સમિતિ, જીલ્લા પંચાયત પાટણના અધ્યક્ષ સ્થાને અનુદાનિત મહિલા સ્વરોજગાર મેળો/લોન ધિરાણ મેળો યોજવામાં આવ્યો હતો. જેમાં ૫૩૦ મહિલાઓએ ભાગ લીધો હતો અને નોકરી માટે કુલ ૩૨૯ બહેનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તમામ ભાગ લીધેલ મહિલાઓને ફૂડ પેકેટ, IEC નું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષ ભારતીબેન ચૌધરીએ નારી શક્તિનું સમાજમાં યોગદાન બાબતે વિસ્તૃત ચર્ચા કરી નારી શક્તિને બિરદાવી હતી. આ પ્રસંગે મહેમાનોના હસ્તે વિવિધ ક્ષેત્રે આગળ આવેલ બહેનોને તેમના કાર્ય માટે મહિલા સ્વાવલંબન યોજના, મિશન મંગલમ,પી.એમ વિશ્વકર્મા યોજના અંતર્ગત મંજુર થયેલ ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વ રોજગાર મેળામાં નોકરીદાતા તરીકે જિલ્લા રોજગાર કચેરી, જીઓ ફ્રેશ ઓર્ગેનિક સિદ્ધપુર, શારદા સન્સ પાટણ, દિવ્યમ એન્ટરપ્રાઈઝ પાટણ, તાલીમ અને રોજગાર દેના આરસેટી વગેરે વિભાગોએ ભાગ લીધો હતો. રોજગાર મેળામાં ભાગ લીધેલ વિવિધ કંપનીઓએ પોતાની કંપની વિષે માહિતી આપી હતી.

