જિલ્લાના તાલુકા આરોગ્ય અધિકારી અને મેડિકલ ઓફિસરને સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા તાકીદ ચીનથી ફેલાયેલ એચએમપીવી વાયરસને લઈને ગુજરાત આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.ત્યારે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભરત સોલંકીનું કહેવું છે કે હાલમાં બનાસકાંઠામાં એક પણ કેસ નથી.પણ તેમણે સલાહ આપી છે કે જો તમને ખાંસી આવે કે છીંક આવે તો મોઢા અને નાકને રૂમાલથી ઢાંકી દો. આ સાથે આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, જો તમે બીમાર છો તો જાહેર સ્થળોએ જવાનું ટાળો.
જો તમને શ્વસન સંબંધી સમસ્યા હોય તો ડોકટરોનો સંપર્ક કરો. શિયાળાની ઋતુમાં નાના બાળકો અને વૃદ્ધોમાં એચએમપીવી જેવા લક્ષણો વિકસે તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવામાં આવે તેવું જણાવાયું છે. વધુમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ભરત સોલંકીએ આ વાયરસને લઈ તાલુકા આરોગ્ય અધિકારીઓ અને મેડિકલ ઓફિસરો સાથેની બેઠકમાં સરકારે આપેલ ગાઈડલાઈનનું પાલન કરવાની તાકીદ કરી હતી.
એચએમપીવીના લક્ષણો શું છે?: એચએમપીવીના સામાન્ય લક્ષણોમાં ઉધરસ, તાવ, નાક બંધ થવું, શ્વાસ લેવામાં તકલીફ અને ઘરારો બોલવો વગેરેનો સમાવેશ થાય છે. આ લક્ષણો અન્ય શ્વસન વાયરસને કારણે થતા ચેપના લક્ષણો જેવા જ છે. ગંભીર કિસ્સાઓમાં, તે બ્રોન્કાઇટિસ અને ન્યુમોનિયા તરફ દોરી શકે છે.
જિલ્લા આરોગ્ય અધિકારીએ ઉમેર્યું કે,હાલમાં જિલ્લાની હોસ્પિટલોમાં એચએમપીવી વાયરસનો એક પણ કેસ નથી.અને આરોગ્ય વિભાગ તેને લઈને સતર્ક છે. હાલમાં આઇસોલેશન વોર્ડ જે હોય છે.તે વોર્ડમાં જ કામગીરી થતી હોય છે.પણ હાલમાં એચએમપીવી વાયરસને લઈને કોઈ સ્પેશ્યલ વોર્ડ બનાવવામાં નથી આવ્યાં.