લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા પરિક્રમા યાત્રામાં: સુવિધાઓ જોઈને સરકારનો આભાર વ્યકત કરતા દર્શનાર્થીઓ: ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫નું આયોજન કરાયું છે. મહા સુદ બારસ, તેરસ અને ચૌદસ તિથિ એમ ત્રણ દિવસીય યાત્રામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માઁ અંબાના દર્શન સહિત ૫૧ શકિતપીઠના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. અંબાજી ખાતે આજે બીજા દિવસે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. રાજ્ય સહિત દેશના અલગ અલગ સ્થળોના ભક્તોએ અંબાજી ૫૧ શક્તિપીઠમાં સહભાગી બની ધન્યતા અનુભવી હતી.
રાઉન્ડ ધ કલોક સફાઈ, બસ, પાણી અને ભોજનની નિ:શુલ્ક સુવિધાઓ: સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત શ્રદ્ધાળુઓએ શકિતપીઠના દર્શન કરી ધન્યતા અનુભવી આ આપણા બધા માટે ગર્વની વાત છે કે,વિદેશ અને દેશના અલગ અલગ રાજ્યોમાં જવાના બદલે એક જ સ્થળે દર્શનનો લહાવો મળી રહ્યો છે:- દર્શનાર્થી નયનાબેન
અંબાજી પરિક્રમા ખાતે દર્શનાર્થીઓના હિતાર્થે વિવિધ સુવિધાઓ ઉભી કરાઈ છે. સાંસ્કૃતિક કાર્યક્રમો, બસ દ્વારા નિઃશુલ્ક યાત્રા, નિશુલ્ક ભોજન, પાણી, સ્વચ્છતા, સેવા કેમ્પ, મેડિકલ કેમ્પ સહિતની સુવિધાઓ પ્રદાન કરાઈ છે. શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક સાથે ૫૧ શક્તિપીઠના દર્શનનો લાભ મળતા તેઓ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વિશેષ આભાર વ્યકત કરી રહ્યા છે. સરકાર, જિલ્લા વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે વિવિધ સુવિધાઓ જોઈને દર્શનાર્થીઓ અભિભૂત થયા હતા.
સ્વચ્છતાની ખાસ ઝુંબેશ; અંબાજી શક્તિપીઠ પરિક્રમા ખાતે સ્વચ્છતા પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ માટે જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવેની અધ્યક્ષતામાં ૪૫૦થી વધુ સફાઈ કર્મીઓ રાઉન્ડ ધ ક્લોક સ્વચ્છતા જાળવી રહ્યા છે.
પરિક્રમાના બીજા દિવસે અંબાજી વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદીએ જણાવ્યું કે, માઈ ભક્તો માટે તમામ સુવિધાઓ ઉભી કરાઈ છે. સેવાભાવી સંસ્થાઓ દ્વારા કેમ્પ ઊભા કરીને ભક્તોને ચા-નાસ્તો-શરબત અને વિસામો સહિતની વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે. તેમણે આવતીકાલે પરિક્રમાનું સમાપન થવાનું છે ત્યારે માઇભકતોને ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં વધુમાં વધુ ભાગ લેવા અનુરોધ કર્યો હતો.
અમદાવાદ ખાતેથી મિત્રો સાથે દર્શેને આવેલા નયનાબેન ઠક્કરે જણાવ્યું કે, વડાપ્રધાન અને ગુજરાત સરકાર દ્વારા એક જ સ્થળે શકિતપીઠ મહોત્સવનું જે આયોજન કરાયું છે જે સરાહનીય છે. એક જ સ્થળે અમે લોકો દર્શન કરીને હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ. આ આપણા બધા માટે ગર્વની વાત છે કે, વિદેશ અને દેશના અલગ અલગ રાજ્યોમાં જવાના બદલે એક જ સ્થળે દર્શનનો લહાવો મળી રહ્યો છે.