ગુજરાતના ડાંગ જિલ્લામાં સવારે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો. જ્યાં યાત્રાળુઓને લઈ જઈ રહેલી ખાનગી બસ ઉંડી ખીણમાં પડી જતાં 5 લોકોના મોત થયા હતા. જ્યારે 35 અન્ય ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે ઘાયલોમાં 17 લોકો ગંભીર રીતે ઘાયલ છે. ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક જણાવ્યું હતું કે, અકસ્માત સવારે 4.15 વાગ્યે સાપુતારા હિલ સ્ટેશન પાસે બસના ડ્રાઇવરે બસ પરથી કાબૂ ગુમાવતાં સર્જાયો હતો. તેમણે કહ્યું કે 48 શ્રદ્ધાળુઓને લઈને જતી બસ ક્રેશ બેરિયર તોડીને લગભગ 35 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી.
પોલીસે જણાવ્યું કે મૃતકોની ઓળખ બસ ડ્રાઈવર રતનલાલ જાટવ, અન્ય બે પુરુષો ભોલારામ કોસવા અને બિજરોની યાદવ અને બે મહિલાઓ ગુદ્દીબાઈ યાદવ અને કૈલાશબાઈ યાદવ તરીકે થઈ છે. સ્થાનિક લોકો અને પોલીસ કર્મચારીઓની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી. તેઓએ મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા અને નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ ગયા.
યાત્રાળુઓ મધ્યપ્રદેશના રહેવાસી; તેમણે કહ્યું કે મધ્યપ્રદેશના ગુના, શિવપુરી અને અશોક નગર જિલ્લાના તીર્થયાત્રીઓ 23 ડિસેમ્બર, 2024ના રોજ ચાર અલગ-અલગ બસોમાં વિવિધ રાજ્યોમાં ધાર્મિક સ્થળોની યાત્રાએ નીકળ્યા હતા. ડાંગ કલેક્ટર મહેશ પટેલે જણાવ્યું હતું કે, યાત્રાળુઓને લઈ જતી ચાર બસમાંથી એક ખાઈમાં પડી જતાં દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી.