કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો……..

સંજીવની
સંજીવની

આપણું જીવન રોજબરોજ વાહનવ્યવહાર સાથે જાેડાયેલું હોય છે ,સેંકડો માણસો સેંકડો વાહનનો ઉપયોગ કરતા હોય છે ,આ વાહનો જેમ વિવિધ પ્રકારના કે વિવિધ કંપનીઓનાં હોય છે.જેમ ભિન્ન ભિન્ન વાહનો હોય છે તેમ ભિન્ન ભિન્ન વાહનોની પાછળ લખાણ વાંચવા મળતું હોય છે .ક્યારેક એવું પણ બનતું હોય છે જે આપણે પુસ્તકમાં ન વાંચ્યું હોય એવું વાક્ય આપણને ટ્રક કે અન્યો વાહનોની પાછળ વાંચવા મળતું હોય છે , એટલે જ હું ઘણી વાર વાહનોની પાછળ એક ઉડતી ઝલક નાખી લઉં છું, કારણ કે કોઈ વાક્ય મને એવું પણ જડી જતું હોય છે જે રત્નકણિકા જેવું હોય છે .

એક વાર હું મારા વતનગામ જઈ રહ્યો હતો ,અમારી વાહનની આગળ એક મહાકાય ટ્રક જઈ રહી હતી ,એ ટ્રક સામે અમારું વાહન તો મદનિયું જ કહેવાય , હંમેશની મારી ટેવ મુજબ મેં એ ટ્રકની પાછળ એક ઝલક મારી ,ટ્રકની પાછળ મોટા અને મરોડદાર અક્ષરોમાં લખ્યું હતું ,‘હા થશે ’ આ શબ્દથી હું ખૂબ પ્રભાવિત થયો .આ શબ્દ વાંચીને મને એવી અનુભૂતિ થઈ કે , આ શબ્દ સાંપ્રત સમયમાં માનવી માટે પ્રેરણાનું ઝરણું સમાન છે .ટૂંકું ને ટચ વાક્ય વિરાટ સ્વરૂપે માનવીને સુબોધ આપે છે .આ વાક્ય જે અસફળતામાં હતાશા તરફ ધકેલાઈ ગયેલી વ્યક્તિને ફરી સફળતા તરફનાં રાહ તરહ જવા માટે મોટું આશ્વાસનનું બળ પૂરું પાડે છે .તેમજ એ રાહ પર જવા માટે આપણી જીવનની ગાડીમાં અખૂટ ઇંધણ પૂરું પાડે છે. કોઈ વ્યક્તિને પોતાના કાર્યમાં અસફળતા મળે,ઉતરતા દિવસો આવે અને આપણે તેને કહીએ ,તારા કાર્યને પડતું મૂક, આવું કહેવાના બદલે આપણે તેને એવું કહીએ ,તારું કાર્ય સુંદર છે અને તારો પ્રયત્ન ‘આઠે પહોર ને બત્રીસે ઘડી’એ રહે તેમ નિરંતર રાખજે ,આમ કહીએ તો એ વ્યક્તિ પોતાના કાર્યમાં ફરી જાેતરાઈ જશે , સફળતાના શિખરો ભવિષ્યમાં સર કરી લેશે અને મનવાંછિત ફળ પણ પ્રાપ્ત કરશે .અસફળતામાં વ્યક્તિને ક્યારેક અસહ્ય કડવાં વેણ સાંભળવા પડતા હોય છે નિંદા–કૂથલી પણ થતી હોય છે આથી જ બીલ ગેટ્‌સ આપણને જીવનસાફલ્યની હાથમાં કૂંચી આપતા કહે છે , ‘પોતાની નીંદા અચૂક સાંભળવી જાેઈએ ,એમાં આત્મનિરીક્ષણની ઉત્તમ તકો રહેલી છે.’

જીવનમાં સફળતા પ્રાપ્ત થતી હોય છે પણ તે અગાઉ સફળતાના પથ પર ડગલું માંડતા અનેક પરિબળોનાં પથ્થરો સાથે ઠોકર ખાવું પડતું હોય છે ,જીવનના પથ પર ક્યાંક ખાડો ,ક્યાંક કાંટો ,ક્યાંક તડકીછાંયડી વગેરે પરિબળોનાં સ્ટેશનો આવતા હોય છે .આપણે આપણા સફળતાનું રહસ્ય તપાસીએ ત્યારે અનેક પરિબળોનાં સ્મરણ થતા હોય છે ,જેમ કે આર્થિક હાલાકી વેઠવી , એક ટંકનું ભોજન મળવું કે સૂકો રોટલો મળવો ,પગપાળા કરીને એક ગામથી બીજે ગામ જવું અથવા શાળાએ જવું ,બાળમજૂરીનો ભોગ બનવું ,ઉત્સવો ટાણે નવા કપડાં ન મળવા , વખત વખતની છાંયડી વગેરે .આમ આપણે સફળતા સુધી પહોંચતા કેટલું હાંફી જવાતું હોય છે?તે છતાંય મન મક્કમ અને માથે લીધેલું કામ ‘હા થશે’ જેવો હકારાત્મક અભિગમ કેળવીએ ત્યારે સફળતા પ્રાપ્ત થતી હોય છે .

થોડા દિવસો પહેલાં અમે સરદાર સરોવર ડેમની મુલાકાતે ગયા,ત્યાં એક ડેમ પર ફરજ બજાવતા અમારા આપ્તજનને મળવાનું થયું ,મારે તેની સાથે આ પ્રથમ મુલાકાત હતી પણ તે મુલાકાત શાનદાર હતી ,તેણે મુલાકાત વેળાએ જે જે વાતો અમારી સમક્ષ રજૂ કરી તે તે વાતો અમને ઘણી ગોઠી ગઈ .તે છવ્વીસ વર્ષીય યુવાને વાત માંડતા પોતાની આપવીતી રજૂ કરી , “બી.એ. સી. અને એમ. એ. સી નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સરકારી નોકરી મેળવવાનો વિચાર મારામાં સ્ફૂર્યો એટલે આ વિચારને મેં જીવનમાં ક્યાંય પડતો મૂક્યો નહિ, અને અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓની પૂર્વ તૈયારીઓ કરવા લાગ્યો ,મારામાં એક જ લક્ષ્ય હતું બસ હવે મારે નોકરી મેળવી જ છે ,મારા લક્ષ્ય સુધી પહોંચવા મેં કેડે કાંકરો મૂકી ગહન વાંચન કરતો રહ્યો , મારું સંપૂર્ણ ધ્યાન વિશાળ વાંચન તરફ રહ્યું , મારી મહેનતના મૂળ ઊંડા ને ઊંડા ઉતરતા ગયા , ક્ષણનોય બગાડ ન થાય તેની હું ખૂબ કાળજી લેતો હતો ,મારું વાંચન દસ કલાકનું હતું તે વધીને બાર કલાકનું થઈ ગયું .આખરે પરીક્ષાનો વખત આવ્યો અને મેં પરીક્ષા આપી., પરીક્ષા આપ્યા બાદ પરીક્ષાનું પરિણામ જાણવાની ખાસ્સી જિજ્ઞાસા જાગી, અંતે મારું પરિણામ આવ્યું ખરું , પરિણામ ઝળહળતું આવ્યું , હું પોલીસ સબ ઇન્સ્પેકટરની પરીક્ષામાં પાસ થઈ ગયો.” છેલ્લે તે યુવાને અમને હસતાં મુખે કહ્યું’ , ‘માગ્યા મેહ વરસ્યા ખરા. ’એવું જ એક તાજું દૃષ્ટાંત આજના યુવાવર્ગ માટે પ્રેરણાત્મક નીવડે તેવું છે .હમણા જ એક છાપામાં મેં એક યુવાનની વાત વાંચી .યુવાન અંતરિયાળ ગામડાનો હોવા છતાંય તેની અદભુત સિદ્ધિ આપણને આંખે ઊડીને વળગે એવી છે ,યુવાન હાલમાં ગાંધીનગરનાં સચિવાલયમાં સેક્શન અધિકારી તરીકે ફરજ બજાવે પણ યુવાને ચાલુ નોકરીએ પુનઃ ચાર વાર ય્ઁજીઝ્રની પરીક્ષાઓ પાસ કરી છે ,વળી નાયબ મામલતદાર ,ચીફ ઓફિસર હાઈકોર્ટમાં નાયબ સેક્શન અધિકારી ,સચિવાલયમાં ઓફિસ આસિસ્ટન જેવી પરીક્ષાઓ પાસ કરીચૂક્યો છે.એજ ,પ્રમાણે ડાંગનાં કરાંડીઆંબા ગામની ‘ગોલ્ડન ગર્લ ’નામથી સુખ્યાત થયેલી સરિતા ગાયકવાડનું ઉત્તમ ઉદાહરણ છે .આવા ઘણા અનન્ય દ્રષ્ટાંતો વાંચ્યા પછી અહીં એક પંક્તિ પુરવાર થયા છે ‘

‘કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો ;
અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી.’

કોઈ વ્યક્તિ આપણને કહે આ કામ તારાથી ન થાય એટલે આપણું કામ પડતું ન મૂકાય .પાયાવિહોણી સલાહ માની ન લેવાય, અન્યની વાતો પર સમાલોચના કરવી પણ જરૂરી છે.આપણે તે ક્ષણે હકારાત્મક અભિગમ રાખવો.સ્વને પ્રશ્નો પૂછવો આ કામ કેમ મારાથી ન થાય ? ‘હા થશે ’ ની હકારાત્મક અભિગમ આપણામાં કેળવવાવી જાેઈએ. પોઝિટિવ થિન્કીગનું જતન કરવું જાેઈએ ,જે વ્યક્તિ મન દિલ દિમાગથી પોતાના લક્ષ્ય સુધી પહોંચવા અવિરત યત્ન કરતી રહેતી હોય તેને યેનકેન પ્રકારે રસ્તો જડી જતો હોય છે ‘આ કામ મારાથી ના થાય’ આ વાક્યમાં નબળાઈ કે આળસ ભરપુર છે .તેના કરતાં ‘હા થશે’ જેવો હકારાત્મક અભિગમ કેળવી શકાય .આમ કહેવાથી આપણું મન ઘણા સમયથી લકવાગ્રસ્ત હોય તે પણ ફરી દોડતું થઈ જશે .તો ચાલો આપણે ‘હા થશે’ ના હાઈવે તરફ આપણી જીવનની ગાડી હંકારીએ.
-મથુર વસાવા (સેન્ટ જાેસેફ હાઇસ્કૂલ ઉના જિ.ગીર સોમનાથ પિન.૩૬૨૫૬૦)


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.