આરોગ્ય આટલું સસ્તું નહી મળે… આમળાં ખાઈ લ્યો.

સંજીવની
સંજીવની

ફાગણ મહિના ની અજવાળી એકાદશી ને આપણે “આમલકી એકાદશી” કહીએ છીએ. મર્હષિ ચરક પણ શિયાળો પૂરો થાય ત્યારે જ
એટલેકે ફાગણ મહિનામાં જ આમળાંની શ્રેષ્ઠ ઔષધી ચ્યવનપ્રાશ બનાવવાનું સૂચન કરેછે. પરંતુ અત્યારે ભરપૂર આમળાં
બજારમાં મળેછે ત્યારે…દરરોજ આમળાંનો ઉપયોગ શરુ કરીદ્યો …. આરોગ્ય આટલું સસ્તું નહી મળે. આપણામાં એક કહેવત છે કે
ત્રણ જામફળ = એક સફરજન અને ત્રણ સફરજન = એક આમળું.
વૃદ્ધ માંથી જુવાન બનાવનાર આમળું એ નાના- મોટા, પુરુષ- સ્ત્રી, બીમાર- સાજા સૌ કોઈ માટે એક સરખું ઉપયોગી હોવા છતાં બીમાર માણસે નજીકના વૈદ્ય નું જરૂરથી માર્ગદર્શન લેવું જોઈએ. આમળાં સ્વભાવે ખટાશ વાળા હોવા છતાં તેમાં નમક સિવાયના પાંચેય રસ છે. હરડે અને લસણમાં પણ પાંચ રસ હોવાથી આ ત્રણ દિવ્ય ઔષધીને સંપૂર્ણ ઔષધી કે આહારનું બિરૂદ આપી શકાય કારણકે સમગ્ર પૃથ્વી ઉપર આ ત્રણ સિવાય એક પણ શાકાહારી દ્રવ્ય નથી કે જેમાં પાંચ રસ પૂરતા પ્રમાણમાં હોય. તેમાં હરડે નો મુખ્ય રસ તૂરો હોવાથી ને સગર્ભા, કૃશ, ઝાડા થતા હોય તેના માટે તે યોગ્ય નથી. તથા લસણ ધામિર્ક નિયમો માં ક્યાંક બાધ્ય છે અને તે ઘણું ગરમ પણ છે જયારે આમળાં તો સૌ કોઈને માટે, અરે! સગર્ભાને માટે પણ બારેય મહિના લઈ શકાય તેવું આહાર તેમજ ઔષધ દ્રવ્ય છે.
આમળાં ગુણમાં ઠંડા, પચવામાં હળવા, ત્રણેય દોષ દૂર કરનાર, રુચિ કરનાર, પેશાબ છૂટથી લાવનાર, પૌષ્ટિક, વીર્ય વધારનાર, વાળ વધારનાર, હાડકાં સાંધનાર, પેટ સાફ લાવનાર, આંખોનું તેજ વધારનાર, બ્લીડીંગ મટાડનાર, ખોટી ચરબી દૂર કરનાર, પ્રમેહ ને કાબુમાં રાખનાર, શરદી, ખાંસી, શ્વાસ, ક્ષય, બળતરા, અરુચિ, આફરો મટાડનાર ને સૌંદર્ય વધારવા માટે આમળાં શ્રેષ્ઠ છે.
ઔષધીય ઉપયોગોઃ
• આમળાં નો રસઃ પિત ની ઉલટી, ઉબકા, અમ્લપિત્ત, દુઝતા મસા, પેશાબ કે યોનીમાં બળતરા, પુરુષોને જાતીય નબળાઈ, સગર્ભા ને લોહી વધારવા, સગર્ભાવસ્થાના શરૂઆતના દિવસોમાં થતી ઉલટી બંધ કરવા, શ્વેતપ્રદર- શરીર ધોવાવું, નસકોરી ફૂટતી હોય, હોજરી- આંતરડામાં ચાંદી ( અલ્સર), કબજિયાત, અતિ પરસેવો થવો, ગરમી કે વાયુની સુકી ખાંસીમાં આમળાંનો રસ સાકરને મધ સાથે કે ગાયના ઘી સાથે લેવાથી તે- તે દર્દ દૂર થાયછે. માત્રાઃ ૨૦ થી ૪૦ મી.લિ.
• પ્રમેહઃ પેશાબ પીળો, ગંદો, ડહોળો આવતો હોયતો આમળાંનો રસને હળદરનો રસ કે ચૂર્ણ સાથે ચોખ્ખું મધ ઉમેરીને પીવાથી લાભ થાયછે. સવારે- સાંજે ભૂખ્યા પેટે પીવો.
• આમળાના રસમાં ગાયનું ઘી સિદ્ધ કરી ને ઉપયોગ કરવાથી મુશ્કેલ પ્રસૃતિ પણ સરળતાથી થાય છે. ગાંઠિયો વા માં પણ અનુભવી વૈદ્ય ઉપયોગ કરેછે. માથાનો દુઃખાવો વિશેષ કરીને આધાશીશી મટેછે.
• હેર ઓઇલઃ આમળાનો રસ, ભાંગરાનો રસ, દૂધીનો રસ સરખા ભાગે (૧-૧ લિટર) લઈ તેમાં તેથી ચોથા ભાગે (૨૫૦ ગ્રામ) જેઠીમધનું ચૂર્ણ, ૭૫૦ મી.લી તલનું તેલ, ૩ લિટર ગાયનું દૂધ મેળવી ને ધીમાતાપે પકાવવું. રસ ને દૂધ બધું બળીજાય ત્યારે આમળાનું તેલ સિદ્ધ થયું કહેવાય. આ કેશ તેલ તરીકે દરરોજ વાળના મૂળમાં ઘસવું, નાકમાં ટીંપા પાડવા. આમળાં નો રસ પીવો. ચય્વાન્પ્રાશ ૧૦ થી ૨૦ ગ્રામ ખાવો. આ પ્રયોગ લાંબા કાળ સુધી ધીરજ રાખીને કરવાથી વાળ કાળા, ઘાટ્ટા, લાંબા, ભરાવદાર થાય છે.
આમ આમળાં એ સર્વોતમ આહાર અને ઔષધ ફળ છે. બજારમાં મળતા હોય ત્યાર સુધી દરરોજ ઘરે લાવીને ઉપયોગ કરી લ્યો. આરોગ્ય અત્યારે બજારમાં એટલું સસ્તું મળેછે તો હવે આમળાં ખરીદતા ભાવ ની કસર નહિ કરવાતા અને આમળાં ખાઈ લ્યો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.