થાકનું કારણ પ્રમેહ
આજે સાઈઠ વર્ષ વટાવી ચૂકેલો ઉત્સાહ અને સ્ફૂર્તિથી ભરેલો યુવાન જણાય છે, જ્યારે સોળ થી છત્રીસ ની ઉંમરનો થાકેલો, હારેલો અને કંટાળેલો યુવાન દેખાય છે. આ કારણ વિના લાગતા થાકને આયુર્વેદે ક્લમ કહ્યો છે પરંતુ આજે આધુનિકતાના નામે થાકને વિટામીન બી૧૨ કે ડી ની ખામીમાં ખપાવીને બેઠી કાટલાં છાપ દવાઓમાં દરદીને ફીટ કરી દેવાનો જાણે એક નવો ટ્રેન્ડ શરુ થયો છે.
ભાઈ, આયુર્વેદ કહે છે ચોક્કસ નિદાન થકી જ સાચી સારવાર થાય. જઠરાગ્નિ, ધાતુક્ષય, આમદોષનો વિચાર કરી જૂઓ. પ્રમેહ, આમવાત, અજીર્ણ, જવરના ઉપદ્રવ સ્વરૂપે દરદીને થાક વધુ લાગી શકે? આ પ્રકારે વિચાર કરવાથી જરૂર કારણ વિનાના થાકનું નિદાન મળી જશે. પ્રમેહ એક એવો રાજરોગ છે કે, તેમાં બીજા ઘણાં લક્ષણોનો- રોગોનો સમાવેશ થાય છે જેમાં થાક મુખ્ય છે.
પ્રમેહ થવાના કારણો: વધુ બેસી રહેવું, વધુ ઊંઘ લેવી, દહીં- દૂધનું વધુ પ્રમાણમાં સેવન કરવું, નવા અનાજનું સેવન કરવું, ગોળ- ખાંડ- સાકરનું વધુ સેવન કરવાથી પ્રમેહ થાય છે.
પ્રમેહરોગ થાય તે પહેલા જોવા મળતા લક્ષણો: પરસેવો વધુ આવે, શરીરના અંગોમાંથી ગંધ નીકળ્યા કરે, શરીરના બધાજ અંગો શીથીલ અથવા ઢીલા પડી જાય, સૂઈ રહેવાથી, બેસી રહેવાથી કે ઊંઘી રહેવાથી થતા સુખનો અનુભવ કરવાની ઈચ્છા થાય, હૃદય, આંખ, જીભ તથા કાન મેલથી ખરડાયેલા રહે, વજન વધવા લાગે, વાળ તથા નખ વધવા લાગે, ઠંડક વધુ ગમે, ગળું અને તાળવું સુકાયા કરે, મોઢામાં મીઠાશ રહ્યા કરે, હાથ- પગમાં બળતરા થાય અને જો મધુમેહ થવાનો હોય તો પેશાબ તરફ કીડીઓ દોડતી આવે છે.
આ લેખ વાંચનારને આશ્ચર્ય થશે કે, પ્રમેહનો એક પ્રકાર મધુમેહ એટલેકે ડાયાબીટીસનું વૈશ્વિક જ્ઞાન ધરાવનાર આજના કહેવાતા નિષ્ણાત તબીબને પ્રમેહના બીજા ઓગણીસ પ્રકાર છે, તેનું તે લોકો પાસે જ્ઞાન નથી પછી કેવીરીતે તેઓ દરદીનું હીત કરી શકે?
પ્રમેહના વીસ પ્રકાર છે. કફજ પ્રમેહના દસ, પિત્તજનાં છ અને વાતજનાં ચાર પ્રકાર છે. સામાન્યત: કફજ પ્રમેહ સરળતાથી મટી શકે છે જો તે રોગ થયા પછી પણ ઉપરના રોગ થવા પહેલાના લક્ષણો ચાલુ જ હોયતો તે મટતો નથી. પિત્તજ પ્રમેહ મુશ્કેલીથી મટે છે અને વાતજ પ્રમેહ એટલેકે મધુમેહ મટતો નથી.
પગની પિંડીમાં દુખાવો થવો, કારણ વિના થાક લાગવો, વજન વધવું કે ઝડપથી વજન ઘટવું આ બધા લક્ષણો અનુભવથી પ્રમેહ અને થાયારોડીઝમમા વધુ જોવા મળે છે ત્યારે…..
૧. પ્રમાણસરનો વ્યાયામ નિયમિત કરતા રહેવો.
૨. હળદર અને આમળાંનું ચૂર્ણ સરખા ભાગે ભોજન પહેલા પાણી સાથે લેવું.
૩. જો દરદીનું વજન ઘટયા કરતું હોયતો ઔષધ યુક્ત ઘી- ધાન્વંતર ઘૃત નિયમિત લેવું.
૪. શિલાજીત યુક્ત ચંદ્રપ્રભાવટી નિયમિત લઇ શકાય.
૫. જે કારણથી રોગ થયો તે તે કારણને દૂર કરવા જોઈએ.