મોટું પેટ, કરાવે રોગોની વેઠ

સંજીવની
સંજીવની

આયુર્વેદમાં સુંદર સંસ્કૃત શ્લોક છે કે, રોગા: સર્વે અપિ મંદેગ્નૌ, સુતરમ ઉદરાણી ચ. બધાજ રોગો મુખ્ય કરીને પેટના રોગો થવાનું મુખ્ય કારણ છે મંદાગ્નિ- ભૂખ ઓછી લાગવી તે.

સમાજમાં બે પ્રકારના લોકો છે એક કાળી મજૂરી કરે છે છતાં યોગ્ય પોષણ મળતું નથી તેથી તે બિમાર છે કારણ તે જીવવા માટે ખાય છે. તેને ખાવાનું મળતું નહિ હોય તો તેના માટે સમાજ અને સરકાર ગુનેગાર છે.

બીજાને પાચનથી અધિક પોષણ મળે છે પરંતુ તે ખાધેલું પચાવી શકતો નથી તેથી તે બિમાર છે કારણ તે ખાવા માટે જીવે છે અને પછી જીવવા માટે કસરત કરે છે, દવાઓ ખાય છે પરંતુ તે ખોરાક ઉપર કાબુ રાખી શકતો નથી તે તેની માનસિક નબળાઈ છે.

સ્થૂળતા- વધારે વજનની મુખ્ય ત્રણ નિશાની છે. ચલ સ્ફિક ઉદર સ્તન:, જેમના કૂલા, પેટ અને છાતી- સ્તન ચાલતા ચાલતા હાલતા હોય તેમનું વજન વધુ કહેવાય. અહીં કૂલાનાં ભાગે ચરબી વધુ રહે છે અને છાતીમાં ભગવાનનું ઘર એવું હૃદય અને તેને સતત શ્વાસ પુરો પાડનારા ફેફસાંનું સ્થાન છે. જ્યારે પેટ તો જાદુઈ પેટી છે.

દુ:ખની વાત છે કે, આપણે હૃદયનું એટલેકે મન- બુદ્ધિનું સાંભળતા નથી પરંતુ પેટનું સાંભળીયે છીએ અને તેથી પેટ મોટું થાય છે જે છેવટે રોગોનું ઘર બને છે. કકડીને ભૂખનો અનુભવ થાય ત્યારબાદ ભૂખથી અડધું ભોજન કરવામાં આવે તો ચોક્કસથી પેટ ધટે અને પેટના રોગો મટે.

કબજીયાત, ગેસ- વાયુ, પાચનની નબળાઈ, અમ્લપિત્ત, ઝાડા- મરડો, લીવર- બરોળનો સોજો, લોહી ઘટવું, કમળો, જલોદર, પેશાબના રોગો, કીડની ફેઇલ્યોર, હૃદયના રોગો, માનસિક રોગો જેવા અનેક રોગોનું મુખ્ય કારણ છે- પેટ. પાચનની નબળાઈ અને વ્યાયામનો અભાવ.

પેટ ઘટાડવા માટે:
૧. સૂર્યનમસ્કાર, રનીંગ અને પેટની જે કસરત કે આસન છે તે દરરોજ અડધો કલાક કરવા જોઈએ.
૨. રાત્રી ભોજનથી વજન અને પેટ વધે છે, ઘટાડવા માટે રાત્રી ભોજન બંધ કરવું જોઈએ. સવારમાં ભાજીનો, સરગવાનો સૂપ પીવો, બપોરે જવની રોટલી, લીલવણનું શાક, મગની દાળ અને જૂના ચોખાના ભાત ભૂખથી અડધું જમવામાં આવે અને સાંજે માત્ર ગાયના દૂધનો કે ખીચડી કઢીનું થોડું ભોજન કરવામાં આવે તથા દિવસ દરમિયાન અન્ય કશુંજ લેવામાં આવે નહિ તો પેટ વધે નહિ, વજન વધે નહિ બલ્કે ઘટાડો જરૂર થાય.
૩. તરસથી વધુ પ્રમાણમાં અને ભોજન પછી પાણી પીવાની ટેવ વજન વધારે છે.
૪. જવ, ગોમૂત્ર, હરડે, ત્રિફલા, ગુગળ યુક્ત ઔષધો, સૂંઠ, કાળામરી, લીંડીપીપર, મધ, વાવડીંગ, ગળોનો ઉપયોગ અનુભવી વૈદ્ય કરે છે.
——- અમૃત બિંદુ —–
જેના શરીરમાં માંસનો સંગ્રહ સરખા પ્રમાણમા હોય, તે માણસ ભૂખ, તરસ કે તાપ સહન કરી શકે છે, ઠંડી, કસરત કે પરિશ્રમ સહન કરી શકે છે, જેનો જઠરાગ્નિ પણ એકસરખો બરાબર હોય તેનું શરીર મધ્યમ શરીર કે શ્રેષ્ઠ શરીર કહેવાય.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.