જેનું મન ઘરડું…તેનું તન ઘરડું..

સંજીવની
સંજીવની

ઘણા માણસોને ઘડપણ વહેલું કેમ આવે છે ? શું ઘડપણ માટેની કોઈ નિશ્ચિત ઉંમર છે ? ઘડપણ આવવા પાછળના કારણો શું છે તે જાણો છો ? સૌથી પહેલા ઘરડું કોણ થાય છે ?તન કે મન? શું વહેલું આવતું ઘડપણ ટાળી શકાય ખરૂં ?
ઘડપણ વહેલું આવવાના કારણો જે હંમેશા આપણે લોકમુખે સાંભળતા આવીએ છીએ કે બહુ નાની ઉંમરથી જ ઘરની-કુટુંબની જવાબદારી માથે આવી પડવી, વધુ પડતો પરિશ્રમ અર્થાત ગુજરાન માટે કાળી મજુરી કરવાને લીધે, વેપાર ધંધામાં મોટી નુકશાની થવાથી, કૌટુંબિક કલેશ અસહ્ય થઈ જવાથી, જીવનમાં અચાનક આવી પડતી આપત્તિ કે મહારોગમાં પટકાઈ પડવાથી, ખોટી ચિંતા-આઘાત કે ઘરના સભ્યો તરફથી દુઃખ અને અસંતોષ વધવાથી, ખુબ જ નીકટના કે અતિપ્રિય વ્હાલા વ્યક્તિની વસમી વિદાય થવાથી, રોજબરોજની હાડમારી, ગરીબી તથા ખોટી વિચારધારાઓ જે માણસને ભાંગી નાખે છે ને સૌથી વધુ અગત્યતા ધરાવતી વાત એટલે આત્મવિશ્વાસનો અભાવ કે જેને લીધે માણસ મનોમન પોતાની જતને શરીરને,તેની કાર્યશક્તિને, વિચારશક્તિને, પાચનશક્તિને ઘટતી, ઓછી થતી તેમજ શરીરની ઈન્દ્રીયો નબળી થતી અનુભવે છે અને આમ ઘડપણ માનવ શરીરમાં પગપેસારો શરૂ કરે છે.
આપણે જાેઈએ છીએ કે ઘણાં એવાં માણસો છે કે જે ૬૦-૭૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના માણસો એક જુવાનને છાજે તે રીતે ભાગદોડ કરે છે, નિત્ય કાર્યો ખુબ જ ઉત્સાહ,સ્ફૂર્તિ અને તાજગીપૂર્વક કરે છે.જયારે તેમના કરતાં અડધી કે તેથી પણ ઓછી ઉંમરના પરવશ થઈ ગયેલા જાેવા મળે છે અને આપણે સૌ કોઈ હંમેશા આને માટે ખોરાકને હવા, પાણીને જવાબદાર ઠરાવીએ છીએ.જાેકે આ વાત સાવ ખોટી નથી તેમ ૧૦૦ ટકા સાચી પણ નથી જ.
માનવ શરીરને ઘડપણ તરફ ધકેલતા કારણો જાેયા. હવે તેના મારણો વિશે સમજાવવાનો પ્રયત્ન કરીએ. આના પ્રત્યાઘાતો તમારે જાતે જ અનુભવીને નક્કી કરવાનું છે કે અમારી કહેલી વાતોમાં કેટલું સત્ય છુપાયેલું છે ?
ઘડપણ તરફ ધકેલતા ઉપરોકત કારણો સિવાય પણ વધુ અગત્યતા ધરાવતા કારણો એટલે કે ચિંતન ધ્યાન, મનન, વ્યાયામ અને અપૂરતો આરામ (શારીરીક અને માનસિક) પણ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે ખુબ જ જરૂરી છે.આમાંની એકાદી વસ્તુ તરફ દુર્લક્ષ સેવતા કે તેને બિનજરૂરી, બીન ઉપયોગી સમજી સામાન્ય જનજીવન જીવતા કયારેય કોઈને પણ એવો ખ્યાલ નથી આવતો કે ભવિષ્યમાં કદાચ તેને લીધે આપણને જ તે વસ્તુની ખોટ વર્તાય અથવા પહેલાં જે કાર્ય બીનઉપયોગી સમજી છોડી દીધું હતું તેની ખરી ઉપયોગીતા સમજાય..પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોઈ તે વાતનો વસવસો કર્યા સિવાય બીજું કાંઈ કરી નથી શકતા તેથી માનવી તકદીરને દોષીત ઠેરવી એક જાતનો આત્મસંતોષ મેળવે છે અને જે કાંઈ પણ બની રહ્યું છે તે બધું જ માત્ર ઈશ્વરને આધીન છે.કુદરતે નક્કી કરેલો એક ક્રમ છે શું આવું વિચારવું યોગ્ય છે ? સાચું છે ?
દરેક માણસે પોતાના શરીરનું યોગ્ય જતન કરવું જાેઈએ. શરીરને સંપૂર્ણપણે સ્વસ્થ રાખવા અમુક ચોક્કસ શારીરીક-માનસિક વ્યાયામ કરવો જાેઈએ તેને બદલે પોતે કરેલી ભૂલોને અન્ય કોઈપણ જગ્યાએ બંધ બેસાડી દેવામાં આવે છે તેમ કરીને તમે તમારૂં જ નુકશાન કરો છો.તમારી જાતને છેતરો છો. જાે તમે સુખ શાંતિ, આનંદભર્યું સંપૂર્ણ સ્વસ્થ જીવન જીવવા માંગતા હો તો આટલી વાતો હંમેશા ધ્યાનમાં રાખો.
તન અને મન પ્રફુલ્લિત રહે તેવા જ કાર્યો કરો.
દરેક કાર્યોને તમારી યોગ્યતા પ્રમાણે, શક્તિ પ્રમાણે નિયમિત કરો.
જીવનમાં ચિંતન,ધ્યાન, મનન અને વ્યાયામને પુરતું મહત્વ આપી આ દરેક કાર્યોને રોજીંદી જીંદગીનું એક અતિ મહત્વનું અંગ સમજી તેને કયારેય ટાળશો નહીં કે ચુકશો નહીં.
કયારેય પરાવલંબી ન બનતા દરેક નિર્ણયો તમારી બુધ્ધિશક્તિ, યોગ્યતા અને શારીરિક શક્તિ પ્રમાણે જ લો.
દરેક કામ સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે કરો.
અન્ય કોઈની સાથે સરખામણી કરી પોતાની જાતને કોઈપણ રીતે નબળા ન સમજાે.
તમારી વિચારશક્તિ પર સંપૂર્ણ વિશ્વાસ રાખો.
નિયમિત શુદ્ધ હવા, સાત્વિક અને શાકાહારી આહાર લો.
ગુટકા,પાન, તમાકુ, બીડી, સિગારેટ, દારૂ જેવા વ્યસનોથી દુર રહો.
હંમેશા સત્યને સ્વીકારો, સતકર્મને પ્રોત્સાહન આપો અને દુષ્કર્મ તરફ દુર્લક્ષ્ય રાખો.
કોઈપણ નિર્ણયો લેતાં પહેલાં બે વાર વધુ વિચારો ેજેથી પાછળથી પસ્તાવું ન પડે કે નિર્ણય લેવામાં ઉતાવળું પગલું ભર્યું છે તેવું ન લાગે.
દરેક અગત્યના નિર્ણયો લેતા પહેલાં શાંત મને જ તે બાબત વિચારો.કેમ કે અશાંત મને લીધેલા નિર્ણયો નુકશાનકારક સાબિત થઈ શકે છે.વધુ પડતો શારીરિક કે માનસિક શ્રમ સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે.
પોતાની ભુલોનો દોષનો ટોપલો બીજા પર ન નાખતા તેના સાચા કારણોને શોધો અને સ્વીકારો તથા ભવિષ્યમાં તેનું પુનરાવર્તન ન થાય તેનું ખાસ ધ્યાન રાખો.
દરેક કાર્યોની નિયમિતતાને જીવનનું અંગ બનાવો.
દરેક કામ માટે હકારાત્મક અભિગમ કેળો, તમારો હકારાત્મક અભિગમ તમને જીવનના દરેક ક્ષેત્રમાં આગળ વધવામાં મદદ કરશે.
કદાચ એટલે જ આપણા વડવાઓ કહી ગયા છે કે, ‘જેવું વિચારશો તેવુ ંજ પામશો’ માટે હંમેશા માત્ર સારૂં જ વિચારો અને દરેક ક્ષેત્રે સારા પરિણામ મેળવો.
ઉપરોકત આવા અનેક કારણોને લીધે વિશ્વના ટોચના દરેક વૈજ્ઞાનિક એક જ અવાજે કહે છે કે હંમેશા હોલીસ્ટીક એપ્રોચ રાખો અર્થાત તન-મન અને આત્માને નૈસર્ગિક રીતે શુદ્ધ,સાત્વીક રાખો અને સુંદર આદર્શો ભર્યું સફળ જીવન જીવો.કુદરતે આપણને આપેલ (નૈસર્ગિક સંપત્તિ)ઝાડ-પાન, વનસ્પતિના ગુણો સમજાે અને તેને જ અપનાવો જે સદાય માટે ગુણકારી જ સાબિત થયા છે.એટલું જ નહીં પરંતુ આની કોઈપણ જાતની આડઅસર કે કોઈપણ પ્રકારનું નુકશાન પણ શકય નથી. હવે એ સમય પાકી ગયો છે કે દરેક માણસ કુદરતની આ દેણને સમજે અને અપનાવે..આપના અભિપ્રાયો આવકાર્ય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.