ગરમીમાં શક્તિની જરૂર

સંજીવની
સંજીવની

હજુ તો ૪૨ ડીગ્રી જ ગરમી પડે છે. ગરમીનો મે મહિનો તો બાકી છે. જેમ ગરમી વધે તેમ આપણે સૌ ઠંડકના ઉપચાર કરીએ છીએ. તે યોગ્ય પણ છે પરંતુ સ્પર્શમાં ઠંડક નહિ, ગુણમાં ઠંડક જોઈએ. માત્ર ઠંડક જ નહિ, તે ઠંડક બળ આપનાર પણ હોવી જોઈએ અને પાચન સુધારનાર હોવી જોઈએ કારણકે બળ આપનાર અને ઠંડક કરનાર દ્રવ્યો હંમેશા પચવામાં ભારે હોય છે.

ગરમીનાં કારણે શરીરમાંથી પ્રવાહી ધાતુઓ- રસ અને રક્ત ધાતુઓમાં ઘટાડો થાય છે અને તેના કારણે આગળની ધાતુઓ માંસ, ચરબી, અસ્થિ, મજ્જા અને શુક્રમાં પણ ઘટાડો થવાથી ધાતુક્ષયનાં લક્ષણો- કારણ વિનાનો થાક, અશક્તિ, ઝીણો ઝીણો તાવ, ખોરાક પ્રત્યે અરુચિ, શરદી, ખાંસી, વજનમાં ઘટાડો, શોષ લાગવો અને તકલીફ વધી જાય ત્યારે લોહી પડવું, શ્વાસ ચડવો જેવી તકલીફ થાય છે ત્યારે ગરમીમાં સૌથી વિશેષ ધાતુ પૌષ્ટિક ઔષધોની જરૂર રહે છે.

૧. ખજૂરનું પાણી- ખજૂરના નાના ટૂકડા કરી રાતભર પાણીમાં રાખી સવારે અથવા સવારે પાણીમાં પલાળી બપોરે નીચોવીને પીવાથી ઠંડક મળે છે, બળ વધે છે, ધાતુ પુષ્ટિ થાય છે. ખજુરની જેમ કાળીદ્રાક્ષ, વરીયાળી અને લીંબુ- સાકર, ફાલસાનું સરબત બનાવીને આ આકરી ગરમીમાં નિયમિત પીવાનું રાખી શકાય.

૨. ફળોના રસ: શેરડીનો રસ, લીલા નાળિયરનું પાણી, સંતરાનો રસ, મોસંબીનો રસ, લીંબુનું સરબત જેવા ખટાસ અને મીઠાસ ધરાવતા ફળોના રસ પીવાથી હૃદયને બળ મળે છે, ધાતુઓ પુષ્ટ થાય છે.

૩. છાસ: ઉનાળાનું અમૃત અને સૌને સુલભ, સસ્તું પીણું એટલે છાસ. જો તાજી હાથ વલોણાની ગાયના દૂધની અને થોડી ખટાસવાળી છાસ પીવા મળે તે તો દેવોને પણ દુર્લભ કહેવાય કદાચ આવી છાસ મળતી નથી તો જેવી મળે તેવી છાસ આ આકરી ગરમીમાં પીવી જોઈએ. ગરમીથી થતા રોગો- ઝાડા, મરડો, મસા અને અપચો માટે છાસ એ ઉત્તમ ઔષધી છે. છાસમાં સાકર કે ખાંડ થોડી માત્રામાં ઉમેરવાથી ઠંડક મળે છે.

૪. પાણી: અધિક ગરમીમાં અધિક પેટના રોગો થાય છે. ગરમીમાં વધુ પાણી પીવાથી અપચો થાય, ભૂખ ઓછી થાય અને ઓછું પાણી પીવાથી પેશાબના, પથરીના, ગરમીના, તાવના અને કબજીયાતના રોગો થાય છે ત્યારે ગરમીમાં જેટલું મહત્વ છાસનું છે તેટલું જ મહત્વ પાણીનું પણ છે.
ગરમીના સમયમાં ધાણાથી, ચંદનથી ઉકાળીને ઠંડુ કરેલું પાણી પીવું વધુ સારું. જે ગરમીથી થનારા આ બધાજ રોગોમાં હિતકારી છે.

૫. દૂધ અને તેની બનાવટ: છાસ સિવાયની દૂધની બધીજ બનાવટ જેવીકે: આઈસ્ક્રીમ, ઘી, પનીરની બનાવટ, શ્રીખંડ જેવી વસ્તુઓ પચવામાં ભારે હોય છે તથા મોટાભાગની વસ્તુઓમાં ખાંડનું પ્રમાણ વધુ આવે છે જે પ્રમેહનું કારણ પણ બને છે. દહીનું યોગ્ય પાચન થાય નહિ તો તેનાથી પ્રમેહ થાય છે તેથી ઉનાળામાં છાસ સિવાયની બીજી વસ્તુઓ વિવેકપૂર્વક વાપરવી જોઈએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.