(જી.એન.એસ) તા. 4
સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (SAIL), જે 20 મિલિયન ટનથી વધુ વાર્ષિક ક્રૂડ સ્ટીલ ઉત્પાદન ક્ષમતા ધરાવતા ભારતના સૌથી મોટા સ્ટીલ ઉત્પાદકોમાંથી એક છે, જેને દુબઈમાં પોતાના પ્રતિનિધિ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે. મધ્ય પૂર્વમાં SAILનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કાર્યાલય તેની વૈશ્વિક વિસ્તરણ વ્યૂહરચનામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
આ કાર્યાલયનું ઉદ્ઘાટન કેન્દ્રીય સ્ટીલ અને ભારે ઉદ્યોગ મંત્રી શ્રી એચ.ડી. કુમારસ્વામી દ્વારા દુબઈમાં ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી સતીશ કુમાર સિવન, SAILના CMD શ્રી અમરેન્દ્રુ પ્રકાશ, NMDCના CMD શ્રી અમિતાવ મુખર્જી, સ્ટીલ મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી વી.કે. ત્રિપાઠી અને SAIL, સ્ટીલ મંત્રાલય, NMDC અને MECONના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
એક વ્યૂહાત્મક કેન્દ્ર તરીકે સ્થાપિત, દુબઈ કાર્યાલય SAILને સ્ટીલ નિકાસ વધારવા, ઉદ્યોગ જોડાણોને ગાઢ બનાવવા અને ભારત-UAE વેપાર સંબંધોને મજબૂત બનાવવામાં મદદ કરશે. મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકા (MENA) ક્ષેત્રના પ્રવેશદ્વાર તરીકે દુબઈની ભૂમિકા અને તેના રોકાણકાર-મૈત્રીપૂર્ણ વાતાવરણ તેને ઉભરતા બજારોમાં વિસ્તરણ માટે એક આદર્શ આધાર બનાવે છે.
આ પગલું ભારતના સ્ટીલ ઉદ્યોગની વૈશ્વિક હાજરી વધારવા અને 2030 સુધીમાં 300 મિલિયન ટનના રાષ્ટ્રીય સ્ટીલ ઉત્પાદન લક્ષ્યને પ્રાપ્ત કરવાના વિઝન સાથે સુસંગત છે. વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક સ્ટીલ ઉત્પાદક તરીકે SAILની ઉત્ક્રાંતિમાં તે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને આંતરરાષ્ટ્રીય સ્ટીલ ક્ષેત્રમાં ભારતની વધતી જતી પ્રોફાઇલને પ્રતિબિંબિત કરે છે.