૧૦૮ ટીમે બોલુન્દ્રા ગામની મહિલાને રીક્ષામાં પ્રસુતિ કરાવી
રખેવાળ ન્યુઝ હિંમતનગર
ઇડર તાલુકાના બોલુન્દ્રા ગામની એક મહિલાને પ્રસુતિનો દુઃખાવો ઉપડતા તેને સારવાર માટે તેના પરિવારજનો રીક્ષામાં બેસાડીને ઇડર લઇ જતા હતા ત્યારે અસહ્ય દુઃખાવો ઉપડતા તાત્કાલિક સામેથી આવતા ૧૦૮ની એમ્બ્યુલન્સ ટીમના પાયલોટ અને ટીમે સહેજ પણ વિલંબ કર્યા વગર રીક્ષામાં જ જરૂરી સાધનોની મદદ લઇ સફળતા પુર્વક પ્રસુતિ કરાવીને બાબાને જન્મ કરાવ્યો હતો. ૧૦૮ ના પાયલોટ અને સ્ટાફની કામગીરીની પ્રશંસા કરી સ્થાનિક લોકોએ પણ અભિનંદન પાઠવ્યા હતા.
આ અંગેની વિગત એવી છે કે ઇડર તાલુકાના બોલુન્દ્રા ગામના સુરેખાબેન ચૌહાણને અચાનક પ્રસુતિનો દુઃખાવો ઉપડતા તેમના પરિવારજનો રીક્ષામાં બેસાડીને ઇડર તરફ લઇ જતા હતા તે દરમિયાન ૧૦૮ની ટીમને જાણ થતા તેઓ પ્રસુતિ કેસની ગંભીરતાને ધ્યાનમાં લઇ તાબડતોબ ઇડરથી બોલુન્દ્રા તરફ રવાના થયા હતા. ૧૦૮ ના પાયલોટ પ્રજ્ઞેશભાઇ બારોટ અને ભૂમિકાબેન દ્વારા રસ્તામાં જ સામેથી રીક્ષામાં આવી રહેલા દર્દીની હાલત જોઇ તાત્કાલિક જરૂરી સાધનોની મદદથી સુરેખાબેન ચૌહાણને મદદ માટે પહોંચી ગયા હતા. સુરેખાબેન ચૌહાણને અસહ્ય દુઃખાવો ઉપડતા રીક્ષામાં જ પ્રસુતિ કરાવવાનો નિર્ણય લઇ અને રીક્ષામાં જ બાબાનો જન્મ કરાવ્યો હતો. માતા અને બાળકની શારીરિક સ્થિતિ સારી હોવાથી બંનેને વધુ સારવાર માટે તાત્કાલિક ૧૦૮ મારફતે ઇડર દવાખાનામાં દાખલ કરાવીને માતા અને બાળકનો જીવ બચાવી લીધો હતો. ૧૦૮ ટીમની યોગ્ય સમયની કામગીરીની સ્થાનિક લોકોએ પણ નોંધ લઇ અભિનંદન પાઠવ્યા હતા.