હિંમતનગરના ટ્રાન્સપોર્ટરે ઓફિસમાં જ ઝેરી દવા ગટગટાવી
રખેવાળ ન્યુઝ હિંમતનગર : હિંમતનગરના હાજીપુરની સીમમાં સાબરડેરી સામે આવેલા જીગર ટ્રાન્સપોર્ટના ટ્રાન્સપોર્ટરે રવિવારે પોતાની ઓફિસમાં જ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી દેતા મૃતકના પરિવારજનોમાં ભારે અરેરાટી પ્રસરી ગઇ હતી. મૃતકે રાજસ્થાનની વિવિધ આર.ટી.ઓ. ચેકપોસ્ટ પર ફરજ બજાવતા કર્મીઓ સાથે બારેક શખ્સોને રૂ.૨.૩૫ કરોડથી વધુની માતબર રકમ આપ્યા બાદ તે રકમ રાજસ્થાનના શખ્સો પરત ન કરતા ટ્રાન્સપોર્ટર આર્થિક ભીસમાં મૂકાયા હતા. આર્થિક સંકળામણ અનુભવતા ટ્રાન્સપોર્ટરે અંતે હારી પોતાની ઓફિસમાં કોઇ ઝેરી દવા ગટગટાવી લેતા મોત થયુ હતું. મૃતકની મળી આવેલી સ્યુસાઇડ નોટ આધારે ટ્રાન્સપોર્ટ ઓફિસના હિસાબનીશ અને મૃતકના કૌટુંબીક ભાઇએ હિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ૧૨ જણા વિરૂધ્ધ મામલો દર્જ કરાવતા પોલીસે મોતના દુષ્પ્રેરણના ગુના હેઠળ બારેય જણા વિરૂધ્ધ ગુનો દર્જ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર તાલુકાના મૂળ પ્રેમપુર ગામના રહીશ અને હાલમાં હિંમતનગરના હસ્તિનાપુર ખાતે રહેતા ૪૫ વર્ષીય શૈલેષકુમાર ચીમનભાઇ પટેલ હાજીપુર પાસે સાબરડેરી સામે શકિત પરોઠા હાઉસની બાજુમાં જીગર ટ્રાન્સપોર્ટથી ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરી રહ્યા હતા. શૈલેષકુમાર સાબરડેરીમાં દૂધની ટેન્કરો અને ટ્રેલરો ચલાવતા હતા. જે ટ્રાન્સપોર્ટની દૂધની ટેન્કરો સાબરડેરીથી રોહતક, દિલ્હી તથા હૈદરાબાદ ફરતી હતી તેમજ ટ્રેલરો પણ ઓલ ઇન્ડિયામાં ફરતા હોવાને કારણે રાજસ્થાનના રતનપુર આર.ટી.ઓ. ચેકપોસ્ટ પર નોકરી કરતા અનિલ માથુર તેમજ રાજસ્થાનના મંડાલ બોર્ડર પર આર.ટી.ઓ.માં નોકરી કરતા વિજયસિંહ ભાટી સાથે શૈલેષકુમાર આઠેક વર્ષથી સંપર્કમાં આવ્યા હતા. આ બંને શખ્સા અવારનવાર હિંમતનગર જીગર ટ્રાન્સપોર્ટમાં પણ આવતા હતા. શૈલેષભાઇએ પી.કે.પાવર ટેક નામની કંપનીના નામે તા.૨૭ ફેબ્રુઆરી ૨૦૧૨થી તા.૩૧ માર્ચ ૨૦૧૯ સુધીના ગાળામાં કુલ રૂ.૩૭,૨૩,૨૦૦ આરટીજીએસથી ટ્રાન્સપોર્ટના બેંકખાતા તેમજ શૈલેષકુમાર પટેલના બેંકખાતામાંથી આપ્યા હોવાનું ટ્રાન્સપોર્ટના હિસાબનીશ અને મૃતક શૈલેષકુમારના કુંટુંબી ભાઇએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ છે. રાજસ્થાનના શખ્સોને કુલ રૂ.૨,૩૫,૭૩,૨૦૦ તેમજ મૃતકે આપેલ ક્રેટા ગાડી અનેકવાર રૂબરૂ જઇ ઉઘરાણી કરવા છતાં તેમજ મોબાઇલ ફોનથી પણ અવારનવાર ઉઘરાણી કરવા છતાં અનિલ માથુર, પ્રમોદ દધીચી, સુનિલ માથુર, નિહારીકા માથુર, માલ્વિકા માથુર, નિરૂ માથુર, ડોલી માથુર, કરણી ભવરસા, રાજકુમારજી, વિજયસિંહ ભાટી, ચંદ્રવીરસિંહ ભાટી, પદમ ભાટી પરત આપતા ન હતા. જેથી મૃતક શૈલેષકુમાર આર્થિક ભીસમાં મૂકાઇ જતા અને વારંવારની ઉઘરાણીથી થાકી જતા અંતે કંટાળી રવિવારે પોતાની જીગર ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જ કોઇ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બીજીબાજુ મૃતકનો પુત્ર પિતાને વારંવાર ફોન કરતો હોવા છતાં પણ ફોન ન ઉપાડતા ટ્રાન્સપોર્ટના સ્ટાફને તે અંગેની જાણ કરતા અને હિસાબનીશે શૈલેષકુમાર પટેલની ઓફિસના બેડરૂમને માસ્ટર કીથી બેડરૂમ ખોલી જતા ઝેરી દવાની વાસ આવતી જણાઇ હતી. જેથી મૃતકના પુત્ર સહિત પરિવારજનો શૈલેષકુમારને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં લઇ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જયારે બીજીબાજુ મૃતકના પરિવારજનોએ મૃતકની ઓફિસ અને બેડરૂમમાં તપાસ કરતા તેમના હસ્તાક્ષરવાળી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. હિસાબનીશની ફરિયાદ આધારે એ ડીવીઝન પોલીસે રાજસ્થાનના આર.ટી.ઓ. કર્મી સહિત ૧૨ જણા વિરૂધ્ધ મરવાના દુષ્પ્રેરણનો ગુનો દર્જ કરી સમગ્ર પ્રકરણની તપાસ એ ડીવીઝનના ઇન્ચાર્જ પી.આઇ. એસ.ડી.ચાવડાએ હાથ ધરી છે.