પ્રાંતિજ તાલુકાના પલ્લાચર ગામમાં શખ્સ સાથે. 9.40 લાખની છેતરપીંડી
પ્રાંતિજ તાલુકાના પલ્લાચર ગામની એક શખ્સને નાણા કમાવવાની લાલચ આપી રૂપિયા 9,40,000થી વધુ રકમનું રોકાણ કરાવી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરવાના મામલે પ્રાંતિજ પોલીસ મથકમાં ફોરેકસ કંપનીના એમ.ડી. સહિત અન્ય ચાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પ્રાંતિજના પલ્લાચર ગામના સુરેશભાઇ કાળાભાઇ વણકર (ઉ.વ.55) ખેતીનો વ્યવસાય કરે છે. દરમિયાન ફોરેકસ કંપનીના એમ.ડી. રાજેશ રામેશ્વર કુમાવત તથા અન્ય કંપનીના માણસોએ કંપનીમાં પૈસાનુ રોકાણ કરવાની વધુ વ્યાજ તથા વધુ પૈસા કમાવાની લાલચ આપીને વધુ પૈસા આપવાનો વિશ્વાસ અપાવ્યો હતો. સૌ પ્રથમ રૂપિયા 3,20,000 કંપનીમાં રોકાણ કરાવી જેના 1.5 ટકા લેખે દરરોજના રૂપિયા 4500 લેખે વ્યાજ આપવાનુ તથા તેમના પત્ની કૈલાસબેનના એકાઉન્ટમાં રૂપિયા 1,20,000નું રોકાણ કરાવી 1 ટકાના દરે રોજના રૂપિયા 1050 વ્યાજ આપવાનું તથા રૂપિયા 5,00,000 કંપનીમાં ફિક્સ કરાવી 13 માસ બાદ રૂપિયા 35,00,000 આપવાનુ કહ્યું હતું.જેથી સુરેશભાઇ કાળાભાઇ વણકરે શરૂઆતમાં રૂપિયા 30,20,000નું રોકાણ કરી રૂપિયા 40,000 લેખે વ્યાજ આપ્યું હતું અને વિશ્વાસ પેદા કરી ત્યારબાદ વધુ રોકાણ કરાવ્યુ હતું, પરંતુ ત્યારબાદ ફોરેકસ કંપનીના એમ.ડી. રાજેશ રામેશ્વર કુમાવત (રહે.સીંગાણા, તા.જુંજનુ, રાજસ્થાન) ઓફિસ બંધ કરીને જતા રહ્યા હતા અને છેતરપીંડી થયુ હોવાનુ માલુમ થયુ હતું. કંપનીમાં રોકાણ કરેલ કુલ રૂપિયા 9,40,000ની રકમ પરત માંગતા કંપનીના એમ.ડી. રાજેશ રામેશ્વર કુમાવત તથા ઇલાબેન સુનિલભાઇ પટેલ તથા તેમના પતિ સુનિલભાઇ પટેલ (બન્ને રહે.સંગુન સોસાયટી) તથા અન્ય એક શખ્સ જે માયાબેનના પતિ તરીકે ઓળખાય છે.તેમને પાસે વારંવાર પૈસાની માંગણી કરવા છતા પણ કોઇ સંતોષકારક જવાબ પણ આપવામાં ન આવતો હોવાની પોતાની સાથે છેપરપીંડી અને વિશ્વાસઘાત થયો હોવાનુ માલુમ થયું હતું. જે અંગે સુરેશભાઇ કાળાભાઇ વણકરે પ્રાંતિજ પોલીસ મથકમાં ફોરેકસ કંપનીના એમ.ડી. રાજેશ રામેશ્વર કુમાવત, ઇલાબેન સુનિલભાઇ પટેલ, સુનિલભાઇ પટેલ, માયાબેનના પતિ અન્ય શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.