પતિએ પત્નીને મારમારતા પત્નીનું મોત પોલીસે પતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના પાનોલ ગામની સીમમાં બે દિવસ પહેલા રાત્રિના સમયે ઝૂપડાંમાં રહેતા શ્રમિક પરિવારમાં મોબાઈલ બાબતે બોલાચાલી થતાં પતિએ પત્નીને મારમારતા પત્નીનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે ઇડર પોલીસ સ્ટેશનમાં પતિ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. પોલીસે પતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી છે.
ઈડરના પાનોલ ગામની સીમમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ અંબિકાનગરની પાછળ ખરાબા ઝૂપડું બાંધી મજૂરી કામ કરીને રહેતા રમેશભાઈ બાબુભાઈ મીણા અને તેની પત્ની સવિતા બંને વચ્ચે 21 ફેબ્રુઆરીને બુધવારની રાત્રિના 12 વાગ્યા બાદ મોબાઈલ ફોન બાબતે રમેશભાઈએ સવિતાબેન સાથે ઝગડો કર્યો હતો. ત્યાર બાદ સવિતાબેનને જમીન પર ઢસડીને મૂઢમાર માર્યો હતો. લાકડાના ધોકા વડે માથાના ભાગે અને હાથે પગે ઈજાઓ કરીને મોત નીપજાવ્યું હતું.
ત્યાર બાદ સવિતાબેનના મૃતદેહને ઇડર સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે આગળની કાર્યવાહી કરી પોસ્ટમોર્ટમ કર્યુ હતું. આ ઇડર પોલીસ સ્ટેશનમાં પતિ રમેશભાઈ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. ઇડર પોલીસે આરોપી પતિની હત્યાના ગુનામાં ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અગે ઇડર PI પી.એમ.ચૌધરીએ જણાવ્યું હતું કે, મજૂરી કામ કરતા પતિ-પત્ની ઝૂંપડામાં રહેતા હતા. મોબાઈલ સંતાડવા બાબતે બોલાચાલી બાદ પતિએ પત્નીને માર મારતા પત્નીનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું. જેને લઈને રમેશભાઈ સામે હત્યાના ગુનામાં ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.