સાબરકાંઠામાં કોરોના સંક્રમણ વધતાં 3 શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર
કોરોના સંક્રમણ કાબૂ બહાર જતાં સાબરકાંઠા જીલ્લાના ત્રણ શહેરોમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. અગાઉ પ્રાંતિજ અને તલોદ બાદ હવે ઇડરમાં પણ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ગઇકાલે APMCમાં શાકભાજીના વેચાણ માટે લોકોની ભીડ જોવા મળી હતી. આ તરફ ઇડરમાં કોરોના કહેર યથાવત જોવા મળતાં સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે.
સાબરકાંઠા જિલ્લામાં APMCમાં શાકભાજીના વેચાણ માટે લોકોની ભીડ જામેલી જોવા મળી હતી. શાકભાજી માર્કેટમાં સામાજિક અંતરના ધજાગરા ઉડતા જોવા મળ્યાં હતા. આ સાથે શાકમાર્કેટમાં પણ લોકો માસ્ક વિના ફરતા જોવા મળ્યાં હતા. સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુદીમાં કોરોનાના 1 હજાર 427 કેસ નોંધાયા છે. જેમાં જિલ્લામાં કોરોના એક્ટિવ કેસ 131 નોંધાય છે. જો કે તેમ છતાં લોકોની ભીડને લઇને તંત્ર જાણે સાવ અજાણ છે.
સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે પહેલેથી જ પ્રાંતિજ અને તલોદમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જો કે હાલ ઇડરમાં કોરોનાનો કહેર જોવા મળતા 25 નવેમ્બરથી 9 ડિસેમ્બર સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. જેને લઇને આગામી દસ દિવસ સુધી ધંધા-રોજગાર સ્વયંભુ બંધ રાખવામાં આવશે. ઇડરમાં દવા અને દૂધ સિવાયની તમામ દુકાનો બંધ રહેશે.