સાબરકાંઠાના પ્રાંતિજમાં 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ : ઝાડ અને હોર્ડિંગ્સ પડવાના બનાવો બન્યા
સાબરકાંઠા જિલ્લામાં બીજા રાઉન્ડમાં રાત્રિએ ગાજવીજ, વીજળીના કડાકા અને પવનના સુસવાટા સાથે વરસાદ શરુ થયો હતો. જિલામાં સર્વત્ર વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં 03 મિમીથી 51 મિમી સુધી વરસાદ નોંધાયો હતો. ભારે પવન સાથે વરસાદને લઈને કેટલાક ઠેકાણે ઝાડ પડવાના અને હોર્ડિંગ્સ પડવાના બનાવો બન્યા હતા.
અસહ્ય બફારા બાદ વરસાદના બીજા રાઉન્ડમાં મોડી રાત્રિએ ભારે ગાજવીજ સાથે વીજળીના ચમકારા અને ડરામણા કડાકા, ભારે પવન સાથે વરસાદ શરુ થયો હતો. વરસાદ કરતા વીજળીના કડાકા વધુ થયા હતા. જેને લઈને હિંમતનગરમાં વીજળી ડુલ થઇ ગઈ હતી. તો 24 કલાક દરમિયાન જિલ્લામાં સર્વત્ર વરસાદ નોંધાયો હતો. જેમાં પ્રાંતિજમાં બે ઇંચ વરસાદ, તલોદમાં એક ઇંચ વરસાદ અને હિંમતનગર, વડાલી, પોશીનામાં પોણો-પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો. હિંમતનગરના ટાવર ચોક પાસે હોર્ડિંગ્સ જમીન દોસ્ત થઈ ગયું હતું. જોકે રાત્રિના સમયે કોઈ ના હોવાને લઈને કોઈ જાનહાની થઈ ન હતી. તો ન્યાય મંદિરથી મહેતાપુરા જવાના હાથમતી ઓવરબ્રિજ પર પણ લગાવેલો હોર્ડિંગ્સ નીકળી ગયું હતું. બીજી તરફ તલોદના ખારી અમરાપુર નજીક રેલવે ટ્રેક નજીક બાવળનું વિશાળ ઝાડ જમીન દોસ્ત થયું હતું. જિલ્લામાં વરસાદ વરસવાને લઈને ખેડવા જળાશયમાં 532 ક્યુસેક પાણીની અને ગોરઠીયા જળાશયમાં 200 ક્યુંસેકની આવક તેમજ 100 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. ધરોઈ જળાશયમાં 750 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી.