હિંમતનગર અને ભિલોડાના બે શખ્સોની પાસા હેઠળ અટકાયત
હિંમતનગર અને ભિલોડાના બે શખ્સોની દારૂ અને નશીલા પદાર્થની અવારનવાર હેરાફેરી કરવા અંતર્ગત એસપીની સૂચનાથી એલસીબીએ દરખાસ્ત બનાવી મોકલી આપ્યા બાદ કલેકટરે પાસા હેઠળ અટક કરી હિંમતનગરના શખ્સને રાજકોટ અને ભિલોડાના શખ્સને અમરેલી સેન્ટ્રલ જેલમાં મોકલવા હુકમ કર્યો હતો.
એલસીબી પીઆઇ અનિરુદ્ધસિંહ રાઠોડે જણાવ્યું કે હિંમતનગરના મહાવીરનગરની શિવનગર સોસાયટીમાં રહેતા જીતેન્દ્રસિંહ ઉર્ફે ટીલીયો વિક્રમસિંહ પઢિયાર (36) વિરુદ્ધ શહેરના એ ડિવિઝન, બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દારૂની હેરાફેરી અને નશીલા પદાર્થની હેરાફેરીના ત્રણ ગુના નોંધાયા હતા. જ્યારે ભિલોડાના ધોલવાણીના હરેશ ઉર્ફે લાલો રતિલાલ ભગોરા (32) વિરુદ્ધ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં એક ભિલોડા પોલીસ સ્ટેશનમાં બે અને અમદાવાદના સરદાર નગર પોલીસ સ્ટેશનમાં રાજસ્થાનથી દારૂ લાવી ગુજરાતમાં ઘુસાડવાના કુલ 6 ગુના નોંધાયા હતા. એસપી વિજય પટેલે અસામાજિક પ્રવૃત્તિઓ કરવા ટેવાયેલા રીઢા ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવા સૂચના આપ્યા બાદ બંને વિરુદ્ધ દરખાસ્ત તૈયાર કરી મોકલી અપાઇ હતી. જેમાં કલેક્ટરે બંનેની પાસા હેઠળ અટકાયત કરવા હુકમ કર્યા બાદ તા. 11-01-24 ના રોજ જીતેન્દ્રસિંહ ઉર્ફે ટીલીયો વિક્રમસિંહ પઢિયારની અટક કરી રાજકોટ સેન્ટ્રલ જેલમાં અને તા. 12-01-24 ના રોજ હરેશ ઉર્ફે લાલો રતિલાલ ભગોરાની અટક કરી એલસીબી પીએસઆઇ એસ જે ચાવડાએ અમરેલી સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો હતો.