ખેડબ્રહ્મા દેરાસરમાં ભંડારાની ચોરી કરનાર કોટડા ગેંગના બે શખ્સ ઝબ્બે
સાબરકાંઠા એલસીબીએ ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક માહિતીને આધારે ખેડબ્રહ્માના દેરાસરમાંથી તોડી નાખેલ દાનપેટીનો ભંડારો અને ચોરીના કામમાં વપરાયેલ બોલેરોને રાધીવાડ પાસેથી કોટડા ગેંગના બે શખ્સો સાથે પકડી ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.
ખેડબ્રહ્મામાં હોળી ચકલા વિસ્તારમાં આવેલ ખેડબ્રહ્મા જૈન શ્વેતાંબર દશાપોરવાલ પંચ ધાર્મિક ધર્મશાળા ટ્રસ્ટ સંચાલિત શ્રી આદ્દેશ્વર જૈન દેરાસરમાં 22 નવેમ્બરની રાત્રિ દરમિયાન પૈસા નાખવાની દાન પેટી (ભંડાર અંદાજે 5 ફૂટ) જેની ઉપર મોર તથા કળશ જેવી ડિઝાઇનવાળો જર્મન સિલ્વર કલરનો કોટિંગ કરેલ ભંડારાની ચોરી થઈ હતી અને જે તે સમયે સામે રહેતા નિલીમાબેને જણાવ્યું કે રાત્રે એક ટેમ્પામાં કેટલાક શખ્સો ભંડાર જેવું ભરતા હોઈ બૂમ પાડતાં ટેમ્પો લઇ ભાગી ગયા હતા.
એલસીબીએ સીસીટીવી ફૂટેજ ને આધારે વાહનની ઓળખ કરી ટેકનિકલ સર્વેન્સની મદદથી બોલેરો નંબર આરજે-6-યુબી-3636 લઈને ચોરીને અંજામ આપનાર ગેંગના બે શખ્સો ખેરોજથી ખેડબ્રહ્મા તરફ જવાના છે જેને પગલે એલસીબી પીએસઆઇ ટી જે દેસાઈ અને ટીમ રાધીવાડ નજીક પહોંચી વોચમાં હતા.
તે દરમિયાન બાતમીવાળું બોલેરો પહોંચતા રોકી અંદર બેઠેલા રાજુલાલ નેનારામ પન્નારામ ગરાસીયા અને ઓદારામ કનારામ મેઘારામ ગરાસીયા (બન્ને રહે. આંક્યાવર તા.કોટડા જિ.ઉદયપુર)ને ઝડપી પૂછપરછ કરતા બંને ભાગી પડ્યા હતા અને ચોરીની કબૂલાત કરતાં બાવળ કાંઠિયા નજીકથી તોડી નાખેલ દાન પેટી કિં.રૂ.35000 અને ચોરીમાં વાપરેલ બોલેરો જપ્ત કરી બાકીના આરોપીઓ પિન્ટારામ ખાવડારામ ગરાસીયા (રહે. જાડા સીમલા તા. કોટડા) સુરેશ ગરાસીયા (રહે.ચાલરીયા તા. કોટડા) ધરમારામ મીઠારામ ગરાસીયા (આંક્યાવર તા.કોટડા) નેનારામ ગરાસીયા (રહે.માલવાકા છોરા તા. કોટડા)ને પકડવા તજવીજ હાથ ધરી હતી.