મોડાસાથી ઢેકવા જતી એસટી બસ રિવર્સ લેવા જતા ખાડામાં ઉતરી
એસટી અમારી સલામત સવારી સૂત્રનું ખંડન કરતી ઘટના અરવલ્લીના મેઘરજ તાલુકામાં બનવા પામી છે. મેઘરજ તાલુકાના લાલપુર ગામે આજે સાંજના સુમારે મોડાસાથી ઢેકવા જતી લોકલ એસટી બસ ઢેકવા તરફ જઈ રહી હતી. તેવામાં સંકડા રસ્તાના કારણે સામેથી અન્ય એક વાહન આવી જતા એસટી બસ રિવર્સ લેવા જતી હતી. તેવામાં એસટી એકાએક પાછળના ખાડામાં ઉતરી પડી હતી. જો કે પાછળ બાવળનું ઝાડ આવી જતા એસ.ટી રોકાઈ હતી. એસ.ટી બસમાં ડ્રાયવર કંડક્ટર સહિત બે અન્ય મુસાફરો હતા. એસટી બસમાં સવાર ડ્રાયવર કંડક્ટર અને એક મુસાફરનો બચાવ થયો હતો. જ્યારે અન્ય એક બાળકી ઇજાગ્રસ્ત થઈ હતી જેને 108 દ્વારા સારવાર અર્થે ખસેડાઇ હતી.