તસ્કરોએ ત્રાટકીને સાત બંધ મકાનના મુખ્ય દરવાજાના નકુચા તોડી નાખતા તાળા લટકતા રહ્યા
સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં મોહનપુરા ગામની સીમમાં આવેલા સમર્થ બંગ્લોઝ અને નંદનવન સોસાયટીમાં તસ્કરોએ ત્રાટકીને સાત બંધ મકાનના મુખ્ય દરવાજાના નકુચા તોડી નાખતા તાળા લટકતા રહ્યા હતા. આ અંગે ઇડર પોલીસ સ્ટેશનમાં સ્ટેશન ડાયરીમાં રોકડ રકમ કે કિંમતી સરસામાનની ચોરી થઈ નથી તેવી નોંધ કરવામાં આવી છે.
આ અંગેની વિગત એવી છે કે, ઈડરના મોહનપુરા ગામની સીમમાં આવેલા સમર્થ બંગ્લોઝમાં ચાર અને નંદનવન સોસાયટીમાં ત્રણ એમ સાત બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. શનિવારે અને રવિવારની રાત્રિ દરમિયાન તસ્કરોએ ત્રાટકીને બે સ્થળે બંધ મકાનના મુખ દરવાજાના નકુચા તોડી નાખતા તાળા લટકતા રહ્યા હતા. તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરીને ઘરના અલગ અલગ રૂમમાં સરસામાન વેર વિખેર કરી નાખ્યો હતો. બંધ મકાનના માલિકો લગ્ન પ્રસંગે બહારગામ ગયા હતા. બનાવ અંગે ઇડર પોલીસને જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી હતી.
આ અંગે ઇડર પોલીસ સ્ટેશનમાં PSOએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે ચોરી થઇ હતી અને પોલીસ પણ ગઈ હતી, પરંતુ મકાન માલિકોને પૂછતા તેમને રોકડ કે કોઈ કિંમતી વસ્તુની ચોરી થયેલી ન હતી તેવી નોંધ સ્ટેશન ડાયરીમાં કરવામાં આવી છે. આ અંગે કોઈ ગુનો નોંધાયો નથી કે ચોરીની કોઈ ફરિયાદ નોંધાઇ નથી.