આરોગ્ય વિભાગ મેડિકલ વેસ્ટ નાખનાર તત્વોને ઝડપે એવી માગ, રોજના હજારો વિદ્યાર્થીઓની એ રસ્તેથી અવર જવર
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોઈપણ રોગને નિવારવા માટે કરોડો રૂપિયા સરકારી દવાઓ પીએચસી, સીએચસી અને સરકારી શાળાઓમાં પણ મોકલતી હોય છે. જ્યારે આ દવાઓની અવધિ પુરી થાય ત્યારે તેનો નાશ કરવાનો હોય છે. ત્યારે મોડાસા શહેરના ટાઉનપોલીસ સ્ટેશાન અને કે.એન.શાહ તેમજ કલરવ શાળાની બાજુમાં જાહેરમાં નાખેલ મેડિકલ વેસ્ટ મળી આવ્યો હતો.
મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલ ટાઉન પોલીસ સ્ટેશનના ઢાળ પાસે સરકારી દવાઓનો જથ્થો ખુલ્લામાં મળી આવ્યો હતો. કે.એન.શાહ મોડાસા સ્કૂલ નજીક માલપુર રોડ પર મેડિકલ વેસ્ટ નાખેલો જોવા મળ્યો હતો.
તંત્રની બેદરકારી સામે આવી: આરોગ્ય વિભાગની બેદરકારી કે પછી કોની બેદરકારી…? એ સવાલની સાથે મેડિકલ વેસ્ટનો જથ્થો રસ્તાની બાજુમાં પડેલો હોવાની ઘટના સામે આવી છે. જેમાં મોડાસા શહેર હાલ એક આગવી છાપ ધરાવે છે અને શિક્ષણ નગરી તરીકે પણ નામના મેળવી છે, પરંતુ મોડાસા શહેર ખાતે માલપુર રોડ પર આવેલ શ્રી કે.એન.શાહ સ્કૂલ અને રેસ્ટ હાઉસ તરફ જતા રસ્તાની ડાબી બાજુએ સરકારી દવાઓનો વેસ્ટ ફેંકેલો જથ્થો જોવા મળ્યો હતો. જેમાં અલગ અલગ પ્રકારની ટેબ્લેટ ફેંકેલી હાલતમાં જોવા મળી હતી અને ફેંકેલી ટેબ્લેટની જગ્યાએ વધુમાં એક ટેબ્લેટ બોક્સ પણ જોવા મળ્યું હતું. જેમાં લખેલુ હતું ગુજરાત સરકારના ઉપયોગ માટે વેચાણ માટે નહિ. ત્યારે ખરેખર આ ટેબ્લેટ કોણ નાખી ગયું અને એ પણ સ્કૂલની બાજુમાં. ત્યારે આ બાબતે હાલ તો જે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે અને આ બાબતે યોગ્ય તપાસ થાય તે હવે જરૂરી છે.