જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
સાબરકાંઠા જિલ્લા કલેક્ટર એન.એન દવેની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ બહુમાળી ભવનમાં કલેક્ટર કચેરી સભાખંડ ખાતે યોજાયો હતો. જેમાં 9 અરજીઓનો સુખદ સમાધાન કરાયું હતું. હિંમતનગરમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નાગરિકો દ્વારા 9 જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં અરજીઓનું સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું. લોકશાહીને ધબકતી રાખી પ્રજાના કલ્યાણ માટે છેલ્લા 20 વર્ષથી નિરંતર ચાલી આવતો ગુજરાત સરકારનો સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ લોકો માટે આધારસ્તંભ બની ગયો છે.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોને યોગ્ય માર્ગદર્શન આપી તેમના પ્રશ્નોના ઝડપી નિકાલ આવે તે અંગે સંબંધિત અધિકારીઓને કાર્યવાહી કરવા જણાવ્યું હતું. વધુમાં કલેક્ટરે વહીવટી તંત્રના તમામ અમલીકરણ અધિકારીઓને લોકોના પ્રશ્નોને શાંતિથી સાંભળી યોગ્ય ઉકેલ લાવવાની દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું. તેમજ અગાઉ આવેલા પ્રશ્નો સંબધે ચર્ચા કરાઇ હતી.
આ કાર્યક્રમમાં જમીન દબાણ, ખેતી લાયક જમીનમાં પ્રવેશવાના રસ્તાની રજૂઆત, જાહેર સફાઇ, જમીન સર્વે, પ્લોટ ફાળવણી વગેરે જેવા લોક પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, નિવાસી અધિક કલેક્ટર કિષ્ણા વાધેલા, પોલીસ વિભાગના પ્રતિનિધિ, તેમજ જિલ્લા તાલુકાના અમલીકરણ અધિકારીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.