હિંમતનગરના ટાવરચોકમાં દશામાની મૂર્તિના વેચાણનું બજાર ભરાયું
આજથી માં દશામાનું વ્રત શરૂ . જેને લઈને હિંમતનગરના ટાવર ચોકમાં દશા માની મૂર્તિના વેચાણ માટેનું બજાર લાગ્યું છે. તો ભક્તોની માતાજીની મૂર્તિ ખરીદી કરવા માટેની ભીડ જામી છે. અડધો ફૂટથી પાંચ ફૂટ સુધીની મૂર્તિઓ બજારમાં વેચાઈ રહી છે.આ વર્ષે શ્રાવણ અને અધિક શ્રાવણ માસ છે. પવિત્ર શ્રાવણથી ધાર્મિક તહેવારોનો પ્રારંભ થાય છે. ત્યારે આજથી અધિક શ્રાવણ માસની અમાસથી દશા માનું વ્રત શરુ થશે. હિંમતનગર શહેરના ટાવર ચોકમાં દશા માની મૂર્તિઓના વેચાણનું બજાર ભરાયું છે. આ બજારમાં અડધો ફૂટથી લઈને પાંચ ફૂટ સુધીની મૂર્તિઓ વેચાઈ રહી છે. રૂ. 100થી લઈને 5000 સુધીમાં દશા માની મૂર્તિઓ વેચાઈ રહી છે. રંગબેરંગી શણગાર સજેલી દશા માની મૂર્તિઓના વેચાણ માટે વેપારીઓ પણ ભાવ સાથે બુમો પાડી રહ્યા છે.હિંમતનગર શહેર સહિત તાલુકા અને જિલ્લાના ગામડાઓમાંથી ભક્તો પરિવાર સાથે દશા માની મૂર્તિઓની ખરીદી કરતા મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા હતા. જો કે આજે મૂર્તિઓનું છેલ્લા દિવસે ગ્રામ્ય પંથકના મહિલાઓ મોટી સંખ્યામાં દશા માનું વ્રત કરતા હોય છે. ત્યારે દશા માની મૂર્તિ સાથે શણગારની ખરીદી કરવા ભારે ભીડ જોવા મળી છે. એક તરફ ભારે ગરમી અને વાદળો વચ્ચે મૂર્તિ વેચાણના બજારમાં ભક્તો પણ પરસેવે રેબ જેબ થઈને પણ માતાજીની મૂર્તિને બાથમાં ક્યાંક તેડીને ક્યાંક માથે મુકીને દશા માની જય બોલાવીને ખરીદી કરી ઘરે લઇ જાય છે.
આજરોજ સવારે શુભ મુહૂર્તમાં માતાજીનું વાજતે ગાજતે સ્થાપન કરવામાં આવી હતી. દશામાનું વ્રત કરનાર મહિલાઓ 10 દિવસ નકોડા ઉપવાસ કરીને દશા માની પૂજા અર્ચના કરે છે અને દશમાં દિવસે મહિલાઓ જાગરણ કરીને સવારે દશા માની મૂર્તિનું પાણીમાં વિસર્જન કરવા જાય છે. આમ દશા માના દસ દિવસ ઉપાસના કરી મહિલાઓ પોતાના પરિવારની રક્ષણ અને સુખાકારીની પ્રાર્થના કરે છે.