ટામેટાંના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
ચોમાસાની સિઝન ચાલુ થતાની સાથે દસ દિવસ પહેલા 20થી 30 રૂપિયાના કિલો ભાવે મળતા ટામેટાનો ભાવ અચાનક જ 100 રૂપિયે પહોંચતા ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે હિંમતનગર શાકમાર્કેટના વેપારી સાથે વાત કરતા તેમણે વરસાદની સિઝન આવતી હોય જેને લઇ ભાવ વધારો થયો છે ભાવ વધવાની સાથે જ ધંધા પર પણ માઠી અસર પડી રહી હોવાનું જણાવ્યું હતું. ટમેટામાં થયેલ ભાવ વધારો થોડા દિવસ જ રહેશે અને બાદમાં ગરમીનું પ્રમાણ ઓછું થતા ટામેટાના ભાવ નીચા આવી જશે તેવી શક્યતાઓ હોવાનું જણાવ્યું હતું. ટામેટાનું ઉત્પાદન કરનાર ખેડૂતોને વેચાણ સમયે યોગ્ય ભાવ મળી રહેતો નથી અને જેને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે.ઉપરાંત ક્યારેક ટામેટા ફેંકી પણ દેવા પડે છે જેથી ઉત્પાદનનો ખર્ચ પણ મળી રહેતો ન હોવાને લઈ ટમેટાના વાવેતર તરફથી ખેડૂતો મોઢું ફેરવી રહ્યા છે. બીજી બાજુ મિશ્ર વાતાવરણને લઈ રોગચાળો વધતા ઉતારો ઘટ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.