પ્રાંતિજના પોગલું પ્રાથમિક શાળાના 106માં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પોગલુ ગામની પ્રાથમિક શાળામાં 106માં સ્થાપના દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિધાર્થીઓએ 2 કલાકમાં તૈયારી કરી ઉજવણીને આખરી ઓપ આપ્યો હતો અને સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન, દાતાઓનું સન્માન, ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે કરવામાં આવ્યાં હતાં.
પ્રાથમિક શાળાના સ્થાપના દિવસ નિમિત્તે શાળાના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તો, વળી વર્ષ દરમિયાન બાળકો દ્વારા કરવામાં આવેલી પ્રવૃત્તિ, અભ્યાસ તથા સ્પર્ધાઓમાં લીધેલા ભાગના પ્રથમ નંબર અને દ્વિતીય નંબરે આવનાર વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક, વ્યવસાય જેવા અનેક ક્ષેત્રમાં કામ કરતાં તમામ વિદ્યાર્થીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને યાદ પણ કરવામાં આવ્યાં હતાં.
પરંતુ ગામમાંથી બે એવા વ્યક્તિ જેમને ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો. જે હેમાંગકુમાર નરેશભાઈ પટેલ અને મનીષકુમાર શાહ આ બંનેમાંથી એક સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંત તરીકે તો એક મહારાજ સાહેબ તરીકે દીક્ષા લીધેલ છે. તેમને પણ 106 વર્ષની ઉજવણીએ યાદ કરવામાં આવ્યા હતા. ઉજવણીને લઈને 20 કિલોની કેક કાપવામાં આવી હતી. તો, ગામના કૃષ્ણ ભજન મંડળ દ્વારા તમામ ગામજનો અને બાળકોને નાસ્તો આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ડોક્ટર ચીમનભાઈ પટેલ, ગોરધનભાઈ પટેલ ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, તથા ગ્રામજનો અને વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. તો, આ પ્રસંગને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય ડોક્ટર જીનલબેન પટેલ તથા સ્ટાફ પરિવાર ભારે જહેમત ઉઠાવી હતી. તો, વિધાર્થીઓએ વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરીને શાળાના સ્થાપના દિનની ઉજવણી કરી હતી.