ઈડરમાં 177 ટ્રેકટર પર 8.20 કરોડની લોન લેવાનું કૌભાંડ ઝડપાયું

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના ઇડર વિસ્તારમાં ટ્રેકટરની લોન લઈ ટ્રેકટર વેચી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ઇડર પોલીસે પાંચ શખ્સો સામે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે. તો જિલ્લા પોલીસ વડાએ કૌભાંડની તપાસ માટે સીટની રચના કરી છે અને એક આરોપીને પોલીસે ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે.

ખેડૂતોને ટ્રેકટરની ખરીદી પર સરકાર દ્વારા સહાય અને રાહત મળતી હોય છે. જેમાં કૌભાંડ આચરવામાં આવતા હોય છે. અને તેના કિસ્સા અવાર નવાર સામે આવતા હોય છે. પરંતુ સાબરકાંઠામાં તેવો એક કિસ્સો સામે આવ્યો છે કે, સહાય કે રાહત જ નહિ, પરંતુ નવા ટ્રેકટરની ખરીદી બોગસ લોન વડે કરીને લોનની રકમ જ ચાઉ કરી લેવાની છેતરપિંડી આચરવામાં આવી છે. લોનથી મેળવેલા નવા ટ્રેકટરને અન્ય જિલ્લામાં બરોબર વેચી દઈ તે રકમ પણ મેળવી લેવામાં આવતી. આમ છેતરપીંડી પર છેતરપીંડી, ટ્રેકટરનું વેચાણ કરનારા શો રૂમમાં જ આચર્યાનું સામે આવ્યું છે. જોકે સૌથી ચોંકાવનારી વાત છે કે, આ લોન મોટા ભાગના લોકોને કોરોના અંગેની સહાયના ફોર્મ હોવાના બહાને કાગળિયા મેળવી ખેડૂતોના નામે કૌભાંડ આચર્યું છે.

ઇડર અને હિંમતનગરના ખાનગી કંપનીના ટ્રેકટર હાઉસ સહિત પાંચ સામે ઇડર પોલીસે ફરિયાદ નોધી છે. જેમાં શો રૂમ દ્વારા અપૂરતા દસ્તાવેજ વડે ખાનગી ફાઇનાન્સ કંપની પાસેથી લોન મેળવી લેવાઈ હતી. પરંતુ ફાઇનાન્સ કંપનીને આરસી બુક જેવા દસ્તાવેજો ટ્રેકટર પાર્સીંગ થયા બાદ પણ નહિ મળતાં શંકા ગઈ હતી. તો બીજી તરફ લોનની રકમના હપ્તા પણ જમા નહોતા થઈ રહ્યા. જેને લઇ ફાઇનાન્સ કંપનીએ પ્રાથમિક તપાસ શરૂ કરી હતી જેમાં લોનથી ટ્રેકટર ખરીદી મૂળ ખેડૂતને અજાણ રાખી અન્ય જિલ્લામાં બારોબાર 177 ટ્રેકટર વેચી દેવા હોવાનું સામે આવ્યું હતું.

આમ 8.20 કરોડ રૂપિયાની અંદાજિત રકમનો કૌભાંડ આચર્યું હતું. જિલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલાએ જણાવ્યું હતું કે, ગુનાની તપાસ માટે સીટની રચના કરવામાં આવી છે. જેમાં ઇડર નાયબ પોલીસ અધિક્ષકના સુપરવિઝન હેઠળ એક PI અને બે PSIનો સમાવેશ થાય છે. બીજી તરફ તપાસ શરુ કરી દેવાઈ છે. ટીમ દ્વારા આરોપી પાર્થ ચૌધરી નામના એક શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. જેની પૂછપરછ દ્વારા અન્ય કેટલા શખ્સો આ કૌભાંડમાં સામેલ છે તેની કડીઓ મેળવાઈ રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.