સાબરકાંઠા લોકસભાના ઉમેદવારોની ચૂંટણી ખર્ચના હિસાબો અંગે તાલીમ
05-સાબરકાંઠા સંસદીય મતદાર વિભાગની આગામી 7 મેના રોજ મતદાન યોજાનાર છે ત્યારે ઉમેદવારી નોંધાવેલી ઉમેદવારોએ ચૂંટણીના ખર્ચના હિસાબો અને નિરીક્ષણ અંગેની તાલીમ જનરલ નિરીક્ષક રાજેન્દ્રકુમાર કટારા અને ખર્ચ નિરીક્ષક દયાનંદનની અધ્યક્ષતા અને જિલ્લા ચૂંટણી અધિકારી નૈમેષ દવે તથા ખર્ચના નોડલ અધિકારી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં આજે કલેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી.જનરલ નિરીક્ષક રાજેન્દ્રકુમાર કટારાએ ઉમેદવારોને સંબોધતા જણાવ્યું હતું કે, સંસદીય મતદાર વિભાગમાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર સજ્જ છે. ખાસ કરીને ઉમેદવારોના ખર્ચ પર દેખરેખ રાખવા માટે જિલ્લામાં વિવિધ FST, SST અને એકાઉન્ટીંગની ટીમોની રચના કરવા આવી છે. વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, ઉમેદવાર માટે રૂ.95 લાખના ખર્ચ મર્યાદા નિયત કરાઇ છે. જેના માટે ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ ઉમેદવારે રૂ. 10 હજારથી નીચેનો ખર્ચ રોકડ સ્વરૂપે કરી શકાશે. જ્યારે રૂ. 10 હજારથી ઉપરના તમામ ખર્ચ એકાઉન્ટ પે ચેકથી કરવાનો રહેશે. ઉમેદવાર રૂ.10 હજારથી વધુની રકમ દાન સ્વરૂપે સ્વીકારે તો તે પણ ચેકના માધ્યમથી સ્વીકારના રહેશે. આ તમામ નાણાકીય લેવડ દેવડ ઉમેદવારે ખોલાવેલા નવા ખાતામાંથી કરવાનો રહેશે.
જનરલ નિરીક્ષક રાજેન્દ્રકુમાર કટારાએ મતદારયાદી, મતદાન ઓળખકાર્ડ તથા ઇવીએેમ સ્ટાફ રેન્ડમઝાઇશેન સહિતના મુદ્દાઓની ચર્ચા કરી હતી. તેમજ રાજકીય પક્ષ અને ઉમેદવારોને લગતી કોઇપણ ફરીયાદ હોય તો સી-વિજીલ એપથી ફરીયાદ કરવા ખાસ ભાર મુક્યો હતો.ખર્ચ નિરીક્ષક દયાનંદને ઉમેદવારને ખર્ચ અંગેની સમજ આપતા જણાવ્યું હતું કે, ઉમેદવારીપત્ર રજૂ થયેથી જ ઉમેદવારના ખર્ચની ગણતરી હાથ ધરાશે. જેમાં વિજેતા ઉમેદવારે પરીણામ આવે ત્યાં સુધીનો ખર્ચ રજૂ કરવાનો રહેશે. ઉમેદવારોએ તા. 26 એપ્રિલ, 30 એપ્રિલ અને 05 મેના રોજ પોતાના હિસાબો રજૂ કરવાના રહેશે. વધુમાં પ્રિન્ટ અને ઇલેકટ્રેનિક મિડીયામાં જાહેરખબર આપતા પહેલાં પ્રમાણીકરણ અને તેના ખર્ચ અંગેના નિયમો અનુસરવા તેમજ વાહનોની મંજૂરી, સ્ટાર પ્રચારકોના ખર્ચ અંગે વિગતવાર સમજ આપી હતી.જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નૈમેષ દવેએ દરેક મતદારને પોતાના મતાધિકારનો અવસર મળી રહે તે માટે સુચારૂ વ્યવસ્થા કરાઇ હોવાનું જણાવી, ઉમેદવારોના કઇ સૂચન હોય તો ખાસ ધ્યાન દોરવા જણાવ્યું હતું.આ તાલીમમાં ઉમેદવારોને ખર્ચ અંગેની જરુરી બાબતોને સાંકળી લેતી વિગતો અને પત્રકો સાથેનું સાહિત્ય પણ આપવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન ખર્ચ નોડલ અધિકારી હર્ષદ વોરા, નાયબ ચૂંટણી અધિકારી ભૂમિ કેશવાલા સહિત ખર્ચ સબંધિત કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ-કર્મચારીઓ તેમજ રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો સહિત રાજકીય પક્ષના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા.